સુરત મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન હેઠળના પાલ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 16ના ફાઇનલ પ્લોટ નંબર 103 પર આવેલા રિઝર્વ પ્લોટમાં ગેરકાયદે રીતે પાક્કું બાંધકામ કરીને એસી રેસ્ટોરન્ટ ચલાવવામાં આવતું હોવાની ફરિયાદ બાદ મનપાએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. સ્થાયી સમિતિના ઠરાવ મુજબ ખુલ્લા પ્લોટ તરીકે ફાળવવામાં આવેલી આ જમીનનો વ્યાપારી હેતુ માટે દુરુપયોગ થયો હોવાનું સામે આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે.
ફરિયાદ અને તંત્ર સામે ઉઠેલા સવાલ આ મામલે પૂર્વ કોર્પોરેટર ઉષાબેન પટેલે પુરાવારૂપ ફોટોગ્રાફ્સ સાથે મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ વિભાગને લેખિત રજૂઆત કરી સઘન તપાસની માંગ કરી હતી. તેમની રજૂઆતમાં પાલિકાની માલિકીના રિઝર્વ પ્લોટ પર આટલું મોટું પાક્કું બાંધકામ કેવી રીતે ઊભું થઈ ગયું અને સ્થાનિક અધિકારીઓની નજર કેમ ન પડી તે અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત નિયમોના ભંગ, બાંધકામ વેરાની વસૂલાત ન થતી હોવાની બાબત તેમજ રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીની સુવિધાઓના અભાવ મુદ્દે પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. સાથે જ પશ્ચિમ ઝોનના અન્ય રિઝર્વ પ્લોટ્સ પર થયેલા પાક્કા બાંધકામો અને દબાણોની પણ તપાસ થાય તેવી રજૂઆત કરાઈ હતી.
દબાણ હટાવવાની કામગીરી અને નુકસાન એક જાગૃત નાગરિક દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ઈ-મેલ મારફતે કરાયેલી ફરિયાદ તેમજ મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ સુરત મહાનગરપાલિકાએ મોર્ગન ઈડલી રેસ્ટોરન્ટનું ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે, આ કામગીરી દરમિયાન પ્લોટની દિવાલ, તેના પર લગાવેલી લોખંડની ગ્રીલ અને લોખંડનો ગેટ તૂટી જતાં મહાનગરપાલિકાની મિલકતને અંદાજિત દોઢ લાખ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ નુકસાનની રકમ જવાબદારો પાસેથી વસૂલવામાં આવે એવી માંગ નાગરિકો અને ફરિયાદીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

