Gujarat

પતિ બે દિવસથી ગુમ થતાં પરિણીતા અને વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકે ફિનાઈલ પીધું

રાજકોટ શહેરમાં આપઘાતનો પ્રયાસ કરવાના વધુ બે બનાવ સામે આવ્યા છે, જેમાં એક મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. પતિ બે દિવસથી લાપતા થઇ જતા મકાન અને કારના હપ્તાની ચિંતામાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. જ્યારે બીજા બનાવમાં ભીલવાસમાં 32 વર્ષીય યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લીધું હોવાનું જણાવતા પોલીસે બન્ને ઘટનામાં નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે દિવસથી પતિ ગુમ થઇ જતા પરિણીતાએ ફિનાઈલ પીધું અક્ષરદીપ ફ્લેટમાં રહેતાં 31 વર્ષીય કામાક્ષીબેન નિલેશભાઈ કોઠીવાર ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ ઘરે હતાં, ત્યારે ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસ તપાસ દરમિયાન કામાક્ષીબેને એક વર્ષ અગાઉ નિલેશભાઈ સાથે બીજા લગ્ન કર્યા હોવાનું અને તેમને અગાઉના લગ્નથી એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. જ્યારે નિલેશભાઈ ડ્રાઈવિંગ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા બે દિવસથી પતિ કોઈને જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હોવાથી તેમનો ફોન પણ લાગતો ન હતો. બીજી તરફ મકાનના હપ્તા તેમજ લોન પર લીધેલી કારના હપ્તાની ઉઘરાણી માટે લોકો ઘરે આવતા હોવાથી કામાક્ષીબેન ચિંતામાં મુકાઈ ગયાં હતાં જેના કારણે માનસિક તણાવમાં આવી તેમણે ફિનાઈલ પી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આજીડેમ પોલીસે મહિલાનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે જાહેરમાં ફિનાઈલ પીધું રાજકોટ શહેરના ભીલવાસના ઠક્કરબાપા નગરમાં રહેતા અજય જગદીશભાઈ વાણીયા છૂટક સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે બપોરે તેઓ સદર બજાર વિસ્તારમાં હતા ત્યારે જાહેરમાં ફિનાઈલ પી લીધું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી હતી અને યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.