Gujarat

ભાડા કરાર વિના મકાન આપનારા 5 માલિકો સામે કાર્યવાહી

ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ભાડા કરાર વિના મકાન આપનારા પાંચ મકાનમાલિકો સામે પલસાણા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ તપાસમાં ભાડા કરારના નિયમોનું પાલન ન થયું હોવાનું સામે આવ્યું હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટે મકાન, દુકાન, ઓફિસ, ધંધાકીય અને ઔદ્યોગિક એકમો ભાડે આપતા માલિકો માટે નિયંત્રણ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. તેના અમલ માટે સુરત ગ્રામ્ય પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ભાડા કરાર વિના મિલકત આપતા માલિકો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

આ સૂચનાના આધારે પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરિયાની આગેવાનીમાં ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ કરી હતી. તપાસમાં પાંચ મકાનમાલિકોએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ભાડા કરાર વિના મકાન આપ્યું હોવાનું જણાયું હતું.

આ મામલે રાકેશકુમાર શિવધારી મોર્યા (ઉં.વ. 44), અનિલ અભયરાજ પ્રજાપતિ (ઉં.વ. 42), સુમેરસિંગ જાલમસિંગ ચારણ, ચીમનભાઈ ધીરુભાઈ રાદડિયા અને તુષારભાઈ વિનુભાઈ સાકરિયા સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરાઈ છે.

પલસાણા પોલીસ મથકના પીઆઇ બી.ડી. ઝીલરિયાએ મકાનમાલિકોને ભાડે મિલકત આપતી વખતે જરૂરી કરાર સહિતની કાયદાકીય પ્રક્રિયા પાળવા અપીલ કરી છે. તેમણે ભાડુઆતોની વિગતો નિયમ મુજબ નોંધાવવા પણ કહ્યું છે.