ગીરના પાણીદાર વિસ્તાર ગણાતા તાલાલા પંથકમાં ઓછા વરસાદને કારણે ઘઉં અને શેરડી જેવા વધુ પાણી માગતા પાકોનું વાવેતર ઘટ્યું છે. ઓછા પાણીમાં પાકતા ધાણા, બાજરી અને ઘાસચારાનું વાવેતર વધ્યું છે.
તાલાલા ખેતીવાડી વિભાગના અધિકારી અશ્વિનભાઈ પરમારે તાલુકાનાં 45 ગામોમાં શિયાળુ વાવેતરની વિગતો આપી હતી. તેમના જણાવ્યા મુજબ, તાલાલા પંથકમાં સરેરાશ 13 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. તેમાં શિયાળુ પાકોનું વાવેતર સરેરાશ 10 હજાર હેક્ટરમાં થાય છે. ચાલુ સીઝનમાં અત્યાર સુધી 8,094 હેક્ટરમાં વાવેતર થયું છે, જે સરેરાશ વાવેતરના 80 ટકા જેટલું છે. ગયા વર્ષે ઘઉંનું વાવેતર 5,095 હેક્ટરમાં થયું હતું. આ વર્ષે તે ઘટીને 982 હેક્ટર થયું છે. શેરડીને વધુ પાણીની જરૂર પડે છે. ગયા વર્ષે 930 હેક્ટરમાં શેરડી વવાઈ હતી, જ્યારે આ વર્ષે 297 હેક્ટરમાં વાવેતર થયું છે.
ઓછા પાણીમાં પાકતા ધાણાનું વાવેતર ગયા વર્ષે 75 હેક્ટર હતું, જે આ વર્ષે વધીને 682 હેક્ટર થયું છે. બાજરીનું વાવેતર 280થી વધીને 747 હેક્ટર થયું છે. પશુઓના નિભાવ માટે ખેડૂતોએ 1,406 હેક્ટરમાં ઘાસચારો વાવ્યો છે. ઓછા પાણીમાં પાકતા ચણાનું વાવેતર 2,544 હેક્ટરમાં જળવાયું છે ડુંગળી, લસણ અને શાકભાજીનું વાવેતર સરેરાશ થયું છે. ઓછા વરસાદને કારણે ખેડૂતોએ પાકની પેટર્નમાં કરેલો ફેરફાર વાવેતરના આંકડામાં દેખાય છે.

