Gujarat

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં લોથલ રોકાણ માટે ઉત્તમ

જાન્યુઆરીમાં યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’માં વૈશ્વિક રોકાણકારોને આવકારવા ગુજરાત સજ્જ છે, ત્યારે લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) રાજ્યની મહત્વાકાંક્ષાઓના પ્રતીક તરીકે ઉભરી રહ્યું છે.

અમદાવાદથી 80 કિમી દૂર 400 એકરમાં ₹4, 500 કરોડના ખર્ચે બની રહેલો આ પ્રોજેક્ટ ભારતના 5 હજાર વર્ષ જૂના દરિયાઈ વારસાને આધુનિક પોર્ટ-આધારિત વિકાસ સાથે જોડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ‘સાગરમાલા કાર્યક્રમ’ અંતર્ગત નિર્માણ પામી રહેલા આ કોમ્પ્લેક્સના ફેઝ-1Aની કામગીરી પૂર્ણતાના આરે છે.

અહીં અદ્યતન ટેકનોલોજી સાથે ‘એજ્યુટેઇનમેન્ટ’નો સંગમ જોવા મળશે. કોમ્પ્લેક્સમાં સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને આધુનિક ભારતીય નૌકાદળની વીરતા દર્શાવતી 14 ગેલેરીઓ, ₹200 કરોડના ખર્ચે બનનારું 77 મીટર ઊંચું વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ અને પ્રાચીન હડપ્પન ડોકયાર્ડની જીવંત પ્રતિકૃતિ મુખ્ય આકર્ષણ રહેશે.

આ ઉપરાંત ચાર થીમ પાર્ક, અંડરવોટર ગેલેરી, ઇકો-રિસોર્ટ્સ, કોસ્ટલ સ્ટેટ પેવેલિયન્સ અને મેરીટાઇમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ તૈયાર થશે. સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ધરાવતું આ દેશનું પ્રથમ હેરિટેજ સ્થળ બનશે. આ પ્રોજેક્ટથી હજારો પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીનું સર્જન થશે અને વાઇબ્રન્ટ સમિટમાં હોસ્પિટાલિટી, લેઝર તથા હેરિટેજ ઇકોનોમીમાં ખાનગી રોકાણના નવા દ્વાર ખુલશે.