સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના વણધોલ ગામે રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ કાથોડી સમાજના પરિવારોની મુલાકાત લીધી. તેમણે PM-JANMAN યોજના હેઠળ પરિવારોને મળેલા પાકા આવાસ જોયા અને લાભાર્થીઓ સાથે વાત કરી.

મંત્રીએ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓનો કેટલો લાભ મળ્યો છે તેની માહિતી મેળવી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર છેવાડાના લોકો સુધી વિકાસના લાભ પહોંચાડવા પ્રયાસ કરી રહી છે.
તેમણે જણાવ્યું કે અતિ પછાત આદિમ જનજાતિ સમુદાયના પરિવારોને પાકા આવાસ, આયુષ્માન ભારત કાર્ડ, ગેસ કનેક્શન અને પાયાની સુવિધાઓ મળે તે માટે PM-JANMAN યોજના અમલમાં છે.
પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેનાએ યોજનાની કામગીરી અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે કાથોડી પરિવારોને પાકા મકાનો ઉપરાંત આરોગ્ય અને શિક્ષણની પાયાની સુવિધાઓ આપવા કામગીરી ચાલી રહી છે.

આધારકાર્ડ, રેશનકાર્ડ અને જન્મના દાખલા સહિતના જરૂરી દસ્તાવેજો તેમજ સરકારી યોજનાઓના લાભ દરેક પરિવાર સુધી પહોંચે તે માટે વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.
મુલાકાત દરમિયાન પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, યુવરાજસિંહ ઝાલા, કનુભાઈ પટેલ, પ્રાંત અધિકારી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

