ઉતરાખંડ
ઉત્તરાખંડ રાજ્યના દિગ્ગજ નેતાઓની હાજરીમાં, દિલ્હીમાં સ્ક્રીનીંગ કમિટીએ વિધાનસભા બેઠક માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરી અને બેઠકો માટે ત્રણથી ચાર દાવેદારોની પેનલ તૈયાર કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધારાસભ્યોની ટિકિટ કન્ફર્મ છે અને તેની સાથે જ ગત ચૂંટણીમાં બહુ ઓછા મતથી હારી ગયેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. એવી ચર્ચા છે કે, આ મહિનાના અંત સુધીમાં કોંગ્રેસ રાજ્યની તમામ ૭૦ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરી શકે છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે તેમના ચૂંટણી લડવા વિશે કંઈ ખુલાસો કર્યો નથી. તેમણે કહ્યું કે, ૩ જાન્યુઆરીએ સ્ક્રીનિંગ કમિટીની બેઠક દિલ્હીમાં અને ૯ જાન્યુઆરીએ કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે. પોતાના ચૂંટણી લડવા અંગે તેમણે કહ્યું કે હજુ કંઈ નક્કી નથી થયું.ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ ટૂંક સમયમાં રાજ્યની ૭૦ વિધાનસભા બેઠકોમાંથી ૪૫ બેઠકોમાટે ટિકિટ જાહેર કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ ૧૫ જાન્યુઆરી સુધી આ સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ હરીશ રાવતે જણાવ્યું કે, આ ટિકિટો પર સહમતિ થઈ ગઈ છે. જાે કે, હરીશ રાવત ક્યાંથી ચૂંટણી લડશે? પાર્ટી દ્વારા હજુ સુધી આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.જ્યારે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં હરીશ રાવતે બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો પર તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ટિકિટ વિતરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને રાજ્ય સ્ક્રિનિંગ કમિટીની બે દિવસીય બેઠકમાં ૭૦ વિધાનસભા બેઠકો માટે ટિકિટ માટે મળેલી અરજીઓમાં સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્યની ચૂંટણી સમિતિએ ઉમેદવારોની પેનલ તૈયાર કરવાની કામગીરી સ્ક્રીનિંગ કમિટીને સોંપી છે અને ઉમેદવારોની પસંદગીનો અંતિમ ર્નિણય કોંગ્રેસ હાઈકમાન્ડ પર છોડી દીધો છે. કોંગ્રેસને રાજ્યની ૭૦ વિધાનસભાની ટિકિટ માટે અત્યાર સુધીમાં ૪૭૮ અરજીઓ મળી છે અને અનુસૂચિત જાતિ કેટેગરીમાંથી ૯૨, અનુસૂચિત જનજાતિમાંથી પાંચ અરજીઓ મળી છે. જ્યારે ૭૮ મહિલાઓમાંથી અનુસૂચિત જાતિની ૧૫ મહિલાઓએ અરજી કરી છે.