વાપી
વાપી શહેરમાં છેલ્લા બે વર્ષમાં કોરોના કારણે અનેક કામો અટવાયા છે. જેના કારણે પાલિકા વિસ્તારમાં ચાલતાં પ્રોજેકટો સમયસર પૂર્ણ થઇ શકયા નથી. વાપી પાલિકા દ્વારા જુના રેલવે ફાટક આગળ રૂ.૫ કરોડના ખર્ચે સબ વે (પેડેસ્ટ્રિયલ)નો પ્રોજેકટની કામગીરી રેલવે વિભાગને સોંપી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં હાલ કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેકટ ૨૦૨૨માં પૂર્ણ થનાર છે. જયારે વાપી નવા અંડરબ્રિજથી રોફેલ કોલેજ સુધી રીંગરોડની ૯૦ ટકા કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. વચ્ચે એક દબાણના કારણે સમગ્ર પ્રોજેકટ અટવાયો છે. પરંતુ નવા પાલિકાના પદાધિકારીઓએ પ્રશ્ન ઉકેલવાના પ્રયાસો તેજ કર્યા છે. નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેકટ પૂર્ણ થવાની આશા છે. પાલિકાની ડમ્પિંગ સાઇટનો પ્રોજેકટ પણ થોડા મહિનામાં પૂર્ણ થશે. આમ વર્ષ ૨૦૨૨માં વાપી શહેરમાં અધુરા પ્રોજેકટો પૂર્ણ થશે. પાલિકાની સમિતિની રચના બાદ નવા પ્રોજેકટોની જાહેરાત કરાશે એવું પાલિકાના સુત્રો જણાવી રહ્યાં છે. વાપી વર્ષો જુના એક માત્ર રેલવે ઓવરબ્રિજ માટે સરકારે ૧૩૦ કરોડની ફાળવણી કરી છે. રેલવે વિભાગ સાથે સંકલન કરી જુના ફાટકને ફરી કાર્યરત કરવાની તમામ કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. રેલવે વિભાગે પણ મંજુરી આપી દીધી છે. વાપી પીડબલ્યુડી વિભાગના સુત્રોના જણાવ્યાં મુજબ હવે થોડા સમયમાં ફલાય ઓવરબ્રિજને તોડવાની કામગીરી હાથ ધરાશે. આ માટેની પ્રક્રિયા પણ પૂર્ણતાને આરે પહોંચી છે.ર વાપી જીઆઇડીસીમાં સ્પોટર્સ કોમ્લેક્ષ બનાવવાનો પ્રોજેકટ લાંબા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ હજુ સુધી આ પ્રોજેકટ આગળ વધી શક્યો નથી,પરંતુ ૨૦૨૨માં આ પ્રોજેકટ હાથ ધરાશે એવું જાણવા મળી રહ્યું છે. વીઆઇએ સેક્રેટરી સતિષ પટેલે જણાવ્યું હતું કે સ્પોટર્સ કોમ્પલેક્ષના નિર્માણ માટે વીઆઇએ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. ૨૦૨૨માં આ પ્રોજેકટ શરૂ કરાશે તે નક્કી છે. જાે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર, એર મોનિટરિંગ સિસ્ટમ સહિતના પ્રોજેકટો પૂર્ણ થવા જરૂરી છે.વાપી શહેરમાં કોરોનાના કારણે અનેક પ્રોજેકટો ઘોંચમાં પડયા છે,પરંતુ હવે ધીમે-ધીમે ઘોંચમાં પડેલા પ્રોજેકટો શરૂ કરવા પાલિકાના નવા પદાધિકારીઓએ કવાયત હાથ ધરી છે.આગામી વર્ષ ૨૦૨૨માં વાપીવાસીઓ માટે રીંગરોડ,સબ વે (પેડેસ્ટ્રિયલ),ડમ્પિંગ સાઇટ સહિતના પ્રોજેકટો પૂર્ણ થશે. જયારે ૨૦ વર્ષ જુના વાપી ફલાય ઓવરબ્રિજને તોડવાની કામગીરી થોડા સમયમાં શરૂ થનાર છે. વર્તમાન બ્રિજ તોડી ચાર માર્ગીય નવા બ્રિજની કામગીરી શરૂ થશે.


