નવીદિલ્હી
ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે ત્રિંકોમાલી ઓઈલ ટેન્ક સંકુલનું નિર્માણ કરશે. આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ કરાર હેઠળ, ટ્રિંકો પેટ્રોલિયમ ટર્મિનલ લિમિટેડ સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન સાથે મળીને ૬૧ ઓઈલ ટેન્ક વિકસાવશે. ભારતના તમિલનાડુ રાજ્યની ખૂબ નજીક બની રહેલ આ તેલની ટાંકીઓનું સ્વપ્ન સૌપ્રથમ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ જાેયું હતું. શ્રીલંકાની ગોટાબાયા રાજપક્ષે સરકારની કેબિનેટે ભારત સાથે ત્રિંકોમાલી ઓઈલ ટેન્ક પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. આ ડીલનો પ્રથમ ઉલ્લેખ ૨૯ ઓક્ટોબર ૧૯૮૭ના ભારત-શ્રીલંકા કરારમાં કરવામાં આવ્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે બંને દેશ આ ટેન્કને સંયુક્ત રીતે વિકસાવશે, પરંતુ ૩૫ વર્ષ પછી વીત્યા પછી પણ આ કરાર અટકેલો પડ્યો હતો. તે સમયે રાજીવ ગાંધી અને શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જેઆર જયવર્દને વચ્ચે પત્રોની આપ-લે પણ થઈ હતી. શ્રીલંકામાં ચાલી રહેલા ગૃહયુદ્ધને કારણે આ કરાર લગભગ ૧૫ વર્ષ સુધી સ્થગિત પડ્યો રહ્યો હતો. આ પછી ૨૦૦૨ માં નોર્વેની મધ્યસ્થી હેઠળ ગૃહ યુદ્ધ સમાપ્ત થયું. ત્યારબાદ એવા અહેવાલો આવ્યા હતા કે અમેરિકા શ્રીલંકાના ત્રિંકોમાલી બંદરને નેવલ બેઝ બનાવવા માંગે છે, જેથી અફઘાનિસ્તાનમાં સામાન સરળતાથી પહોંચાડી શકાય. આ પછી ભારતીય હાઈ કમિશનરે ત્રિંકોમાલીની મુલાકાત લીધી હતી. આ ઓઈલ ટેન્ક બીજા વિશ્વયુદ્ધના સમય પહેલાની છે, જ્યાં ૧૦ લાખ ટન તેલ રાખી શકાય છે. આ ઓઈલ ટેન્ક સ્ટોરેજની નજીક જ ત્રિંકોમાલી બંદર છે. ત્રિંકોમાલી ચેન્નઈથી સૌથી નજીકનું બંદર છે. ચીનની નજર લાંબા સમયથી શ્રીલંકાના આ વિસ્તાર પર હતી. શ્રીલંકાએ એવા સમયે આ કરાર કર્યો છે, જ્યારે શ્રીલંકામાં નાણાકીય અને માનવીય સંકટ ઘેરું બન્યું છે. ચીનના દેવાની જાળને કારણે ફુગાવો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે, ખાદ્યપદાર્થોના ભાવમાં ભયંકર વધારો થયો છે અને સરકારી તિજાેરી ઝડપથી ખાલી થઈ રહી છે. એવી આશંકા છે કે આ વર્ષે શ્રીલંકા નાદાર થઈ શકે છે. શ્રીલંકાની આ હાલત કેવી રીતે થઈ? આના ઘણા કારણો છે. કોરોના સંકટને કારણે દેશનું પર્યટન ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. તે જ સમયે, સરકારના ખર્ચમાં વધારો અને કરમાં કાપને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. ઉપરથી ચીનનું દેવું ચૂકવતા-ચૂકવતા શ્રીલંકાની કમર તૂટી ગઈ. દેશમાં વિદેશી મુદ્રા ભંડાર એક દાયકાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. સરકારે સ્થાનિક લોન અને વિદેશી બોન્ડ ચૂકવવા માટે નાણાં છાપવા પડી રહ્યા છે.ચીનના દેવાની જાળમાં ફસાયેલા શ્રીલંકાએ ડ્રેગનને મોટો ઝટકો આપતા ત્રિંકોમાલી ઓઈલ ટેન્ક માટે ભારત સાથે સોદો કર્યો છે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે ત્રિંકોમાલી ઓઈલ ટેન્ક સંકુલનું નિર્માણ કરશે.
