અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી સમગ્ર અમરેલી જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને કેટલાક પ્રતિબંધક આદેશો કર્યા છે. જનેરનામામાં જણાવ્યા પ્રમાણે ચાઈનીઝ માંઝા, નાયલોન પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા હાનિકારક પદાર્થોના ઉપયોગ કરી શકાશે નહિ તથા તે માટેની જરૂરી સામગ્રીનો કોઈપણ વેપારી, વ્યક્તિ કે સંસ્થાએ ખરીદ, વેચાણ, બક્ષીસ, ભેટ કે ઉપયોગ કરવો નહિ. પતંગ ચગાવવાના નાયલોન અથવા અન્ય સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થોના કોટીંગ કરેલ હોય અને નોન બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી ચાઈનીઝ માંઝાનો ખરીદી, વેચાણ, બક્ષીસ, ભેટ કે ઉપયોગ કરવો નહીં. સસ્તા કાગળમાંથી બનેલ સ્કાય લેન્ટર્સ (ચાઈનીઝ તુકકલ) કે જેમાં મીણના ચોસલા બળતણ તરીકે વપરાય આગ ઉત્પન્ન કરે તેવા તુકકલનો કોઈપણ વેપારી, વ્યકિત કે સંસ્થાએ ખરીદ, વેચાણ, બક્ષીસ, ભેટ કે ઉપયોગ કરવો નહિ કે આવા સ્કાય લેન્ટર્સ ઉડાડવા નહીં. ધાતુના તાર કે મેગ્નેટીક ઓડીયો ટેપ દ્વારા પતંગ ઉડાવવા કે પતંગ ઉડાવવાના હેતુસર કોઈપણ વેપારી વ્યકિત કે સંસ્થાએ ખરીદ વેચાણ સંગ્રહ, બક્ષીસ, ભેટ કે ઉપયોગ કરવા સહીતની તમામ પ્રવૃત્તી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના હુકમ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ તથા માર્ગદર્શિકાઓનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનો અમલ તા. ૫/૧/૨૦૨૨ થી ૨૦/૧/૨૦૨૨ સુધી કરવાનો રહેશે.
