સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ સાવરકુંડલા શહેરમાં લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા આયોજિત લાયન્સ કવેસ્ટ કાર્યક્રમ અંતર્ગત આજે સાવરકુંડલા તાલુકાના શિક્ષકોને ટ્રેનર યોગેશભાઈ પોટા દ્વારા ખૂબ જ રોચક અને સુંદરરીતે શિક્ષણ એ સતત પ્રક્રિયા છે અને શિક્ષકોએ શિક્ષણ પધ્ધતિને રોચક અને રસપ્રદ બનાવવા માટે કેવી પધ્ધતિઓ અખત્યાર કરવી એ અહીં માનવમંદિરનાં કેમ્પસનાં કોન્ફરન્સ હોલમાં સમગ્ર શિક્ષકો વચ્ચે ગોળમેજી પરિષદ યોજી ખૂબ નિખાલસ અને રસપ્રદ કિસ્સાઓ દ્વારા બાળકોને ભણવું કેમ ગમે એ સંદર્ભને ધ્યાનમાં રાખીને નવીનવી ટેકનીક દ્વારા શૈક્ષણિક કાર્યમાં બાળક કેમ વધુમાં વધુ દિલચસ્પી લેતું થાય તેવાં ઉદાહરણો જેમાં પ્રખ્યાત અને લોકપ્રિય હિન્દી ફિલ્મનાં ગીતો દ્વારા પણ બાળકોની શિક્ષણ પ્રત્યેની અભિરુચિ કેમ વધારે રોચક બને તે અંગે પણ માર્ગદર્શન આપ્યું. આમ ગણો તો જીવન જીવવાની ચાવી જ આપી છે. કંટાળાજનક શિક્ષણ પધ્ધતિને કેમ વધુ સહજ, સુગમ અને લોકરંજક બનાવવી એની પણ સુપેરે તાલીમ આપવામાં આવી હતી. આ સંદર્ભ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના પ્રમુખ શ્રી કરશનભાઈ ડોબરીયા અહીં સતત હાજર રહી શિક્ષણ જગત કેમ સુસજ્જ બને એ દિશામાં સતત પ્રયત્નશીલ જોવા મળેલ હતાં. કોઈ પણ જાતનાં દંભ કે દેખાડા વગર માનવ મંદિરના પૂ. ભક્તિરામ બાપુની નિશ્રામાં આ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના પ્રમુખ કરશનભાઈ ડોબરીયા પણ શિક્ષણની ગુણવત્તા કેમ સુધરે એ બાબતે પણ સતત પ્રયત્નશીલ રહે છે. આમ પણ માનવમંદિર પણ એક એવું અદ્ભૂત સ્થાન છે જેનાં અલૌકિક વાતાવરણમાં લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાની આ તાલીમ શિબિર ખરેખર ખૂબ અસરકારક રહી. વિવિધ શાળાના શિક્ષક સમુદાયે પણ અહીં આવીને ખાસ્સું અણમોલ જ્ઞાન અર્ચિત કર્યું સૌના વદન પર અદમ્ય ઉત્સાહ અને ઉમંગ જોવા મળેલ. આમ ખૂબ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન થયું. બાળક સાથે બાળક થઈને પણ શિક્ષણ આપી શકાય તેનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ આ તાલીમ દરમિયાન જોવા મળેલ. જાતજાતની બાળકોને રસ અને રુચિ પડે તેવી શૈક્ષણિક રમતો દ્વારા પણ બાળકને શિક્ષણાભિમુખ કરી શકાય છે એવું અંતે પ્રદિપાદિત થયું. અહીં પધારેલ શિક્ષક સમુદાય પણ આવી સુંદર પ્રવૃત્તિમાં સહજતાથી જોડાયાનો આનંદ લેતો જોવા મળેલ. જો આવીરીતે આવી સામાજિક સંસ્થાઓ આવા વર્કશોપ યોજે તો શિક્ષણની ગુણવત્તા અને પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવી શકાય છે એ વાત પણ અહીં પ્રદિપાદિત થતી જોવા મળી
. જો કે આવું આયોજન કરવામાં પણ ખર્ચ તો થાય જ પરંતુ કરશનભાઈ ડોબરીયા, દેવચંદભાઈ કપોપરા, કમલ શેલાર, દીપક બોઘરા જેવાં સેવાભાવી અને દાનવીરો દ્વારા જ આ શક્ય છે. ભવિષ્યમાં પણ આ લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. એકંદરે સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળ થયો.

