Gujarat

ગાંધીનગરમાં જેલ જેવા દેખાવવાળી રેસ્ટોરન્ટ ખુલી

ગાંધીનગર
ગાંધીનગરમાં કુડાસણ વિસ્તારમાં એક એવી રેસ્ટોરન્ટ આવેલી છે, જેનું નામ વિશ્વના સાતમા નંબરના કુખ્યાત ગુનેગાર પાબ્લો એસ્કોબારના નામે રાખવામાં આવ્યું છે, જેમાં પ્રવેશ કરતાં જ જેલમાં ગયાનો અનુભવ થાય છે. અહીં બહારથી જ જેલ જેવો વિશાળ દરવાજાે, અલગ અલગ બેરેક, ફાંસીના દોરડા, જેલ જેવી લાઈટો અને ટેબલ ગોઠવીને જેલ જેવો જ માહોલ ઊભો કરવામાં આવ્યો છે, જેનું બધું શ્રેય ગાંધીનગરના ચાર યુવા મિત્રોને આભારી છે. વિશ્વવિખ્યાત ડ્રગમાફિયા પાબ્લો એસ્કોબાર જેલમાંથી ભાગીને પરિવારને લઈને દેશ છોડવાની પેરવી કરતો હતો. આમ તો તેની પાસે અનેક વૈભવી મેન્સન હતાં, પણ ત્યાં પોલીસ એક પછી એક છાપા મારતી હતી. એ દરમિયાન શિયાળા ઋતુમાં હિમવર્ષા થતાં દીકરીને ઠંડી લાગી હતી, જેથી પળભર વિચાર કર્યા વિના પાબ્લોએ તેની પાસેના ૨ બિલિયન ડોલર સળગાવીને તાપણું કર્યું હતું. આવો વૈભવી ઠાઠ જીવવાવાળા ડ્રગમાફિયાની જીવન પર અનેક ફિલ્મો પણ બની છે. હાલમાં તેના જીવન પર આધારિત ‘નાર્કોસ’ વેબ સિરીઝ નેટ ફ્લિકસ પર ઉપલબ્ધ છે. કુડાસણમાં બનેલી એસ્કોબાર રેસ્ટોરન્ટમાં દીવાલ પાબ્લોનો ફોટો ખાસ મૂકવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ નંબરની બેરેક બનાવવામાં આવી છે તેમજ ટેબલ ખુરશી, એટલે સુધી કે લાઈટનિંગ પણ એ રીતે ગોઠવવામાં આવી છે કે જેલનો અનુભવ થાય. ઉપરાંત ફાંસીના દોરડા પણ લટકાવવામાં આવ્યા છે. ખાસ કરીને કોઈ ગ્રાહક પાસે વેઇટર ઓર્ડર લેવા જાય છે, પરંતુ અહીંના એસ્કોબારમાં કેદીના વેશમાં વેઇટર સર્વિસ પૂરી પાડી રહ્યા છે. ગાંધીનગરના ચાર મિત્રોએ યુનિક એસ્કોબાર બનાવવા પાછળ અંદાજિત ૨૦ લાખનો ખર્ચ કર્યો છે, જે હાલમાં યુવાવર્ગમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ રેસ્ટોરન્ટમાં ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ સહિતનું ફૂડ સર્વ કરાય છે. રોજનું કાઉન્ટર પંદરેક હજારનું રહેતું હોય છે. આમ મહિને સાડાચારથી પાંચ લાખની આવક પણ થઈ રહી છે. અહીં યુવા વર્ગની પ્રાઈવેસી અકબંધ રહે એ માટે હંમેશાં જેલ રેસ્ટોરન્ટનો મુખ્ય દરવાજાે બંધ રહેતો હોય છે, જેથી બહારની કોઈને ખ્યાલ ન આવે કે અંદર કોણ કોણ બેઠું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *