સુરત
કોરોના સંક્રમણમાં આજે પણ ભારે વધારો થયો છે. સુરતમાં નવા ૨૭૫૭ કેસ નોધાયા છે. જેથી કોવિડનો કુલ આંકડો વધીને ૧,૭૦,૭૯૬ પર પહોંચ્યો છે. જ્યારે નવા ૨ મોત સાથે મૃત્યુઆંક વધીને ૨૧૨૮ થયો છે. આજે શહેરમાંથી ૧૮૭૧ દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને ૧,૪૯,૫૨૧ થયો છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ ૧૯,૧૪૯ એક્ટિવ કેસ છે.સુરત શહેરમાં સતત કોરોના પગ પસારો કરી રહ્યો છે. ઉત્તરાયણ બાદ ફરી કેસમાં વધારો થયો છે. ત્યારે બીજી તરફ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાનો આતંક જાેવા મળી રહ્યો છે. આજે એક જ દિવસમાં ૨૦૬ કેસના વધારા સાથે નવા ૨૭૫૭ કેસ નોંધાયા છે. આ સાથે બે દર્દીના મોત થયા છે. જ્યારે ૧૮૭૧ દર્દી ડિસ્ચાર્જ થયા છે. આજે બપોર સુધીમાં કોરોનાના વધુ ૮૮૦ કેસ નોંધાયા છે. હાલમાં હોસ્પિટલમાં દાખલ ૩૦૦ દર્દી પૈકી ૨૨ વેન્ટિલેટર પર, ૮૧ને ઓક્સિજન પર રખાયા છે. સુરત શહેરમાં કોરોના સંક્રમણના વધતા કેસને લઈને હવે ચિંતા પ્રવર્તી રહી છે. અત્યાર સુધીમાં જે કોરોના સંક્રમિત થતા હતા તે દર્દીઓમાં નજીવા લક્ષણો દેખાતા હતા. પરંતુ હવે કોરોના સંક્રમિત દર્દીઓ પૈકીના જે લોકો હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે. તેમના માટે મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. હાલ ૩૦૦ જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે દાખલ થયા છે. તે પૈકીના ૨૨ જેટલા દર્દીઓને વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યા છે. તેમ જ ૮૧ દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. જે ખરેખર ખૂબ જ ચિંતાજનક સ્થિતિ માની શકાય એમ છે. ત્રીજી લહેરના શરૂઆતના તબક્કામાં કોરોના સંક્રમિત દર્દીઓમાં કોઈ વધુ પડતી સમસ્યા દેખાતી ન હતી. પરંતુ મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય અધિકારીઓ દ્વારા વારંવાર સુચના આપવામાં આવી હતી કે સુરત શહેરમાં આગામી ૨૫ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે કોરોના સંક્રમિત થયા બાદ તેની અસર વ્યક્તિને પાંચથી સાત દિવસમાં માલુમ પડતી હોય છે. તેથી કોરોના સંક્રમિત વ્યક્તિએ આ બાબતને હળવાશથી લેવી જાેઈએ નહીં. આરોગ્ય વિભાગને જે પ્રકારની ચિંતા હતી. તેવી જ સ્થિતિ ઊભી થતી હોય તેવું હાલ સારવાર લઈ રહેલા દર્દીઓમાં જાેવા મળી રહી છે. ૨૨ જેટલા દર્દીઓ જાે વેન્ટિલેટર પર હોય તો સ્વાભાવિક રીતે જ આરોગ્ય વિભાગ વધુ સતર્ક થઈને કામગીરી શરૂ કરી રહી છે. આરોગ્ય અધિકારી પ્રવીણ ઉમરીગરે જણાવ્યું કે, કોરોના સંક્રમણની ત્રીજી લહેરમાં આરોગ્ય વિભાગના પણ ૧૭૫થી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે. જેમાં કોર્પોરેશનના વિવિધ હેલ્થ સેન્ટરોમાં સંજીવની રથ સાથે તેમજ સર્વેની કામગીરી સાથે જાેડાયેલા કર્મચારીઓ વધુ સંક્રમિત થયા છે. અત્યારે ચિંતાજનક બાબત એ છે કે, જે દર્દીઓ સારવાર હેઠળ છે. તેઓને હવે ધીરે ધીરે વેન્ટીલેટર અને ઓક્સિજનની જરૂરિયાત જણાઈ રહી છે. તેથી કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઓક્સિજનની પુરતી વ્યવસ્થા કરી લેવામાં આવી છે. સ્થાનિક લોકોને અમારી અપીલ છે કે, કોરોના સંક્રમણ અને હળવાશથી નહીં હજુ પણ સ્થિતિ બગડી શકે છે. કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર લેતી વખતે મુશ્કેલી ઊભી થઇ શકે તે પહેલા જ તેમણે સચેત થઇને ગાઈડલાઇનનું પાલન કરવું જાેઈએ.
