નડિયાદ
ખેડા જિલ્લાના ઉત્તરસંડા ખાતેની સરકારી આઈટીઆઈને શ્રેષ્ઠ કામગીરી માટે તૃતીય સ્થાન મળ્યું છે. સરકાર દ્વારા નિર્ધારિત થયેલ ૩૦ પાસાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રાજ્ય કક્ષાનું સન્માન મેળવવા બદલ સંસ્થાના આચાર્યએ તમામ સ્ટાફ મિત્રો તેમજ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભવિષ્યમાં પણ સંસ્થાની ગુણવત્તા વિકસાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. હાલ સંસ્થા ખાતે ૨૨ લાંબા ગાળાના ટ્રેડ તેમજ ટૂંકા ગાળાના કોર્સમાં ધો.૧૦ પાસ/ધો.૮ પાસ તાલીમાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. તાલીમાર્થીઓને નિયમિત તાલીમ સાથે ટ્રેડ સબંધિત નજીકની ઇન્ડસ્ટ્રીમાં ઓન જાેબ ટ્રેનિંગ માટે પણ મોકલવામાં આવે છે. સંસ્થાના પ્લેસમેન્ટ સેલ દ્વારા તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓ માટે સરકારી અને ખાનગી એકમોમાં રોજગારી, સ્વરોજગારી તેમજ એપ્રેન્ટીસમાં જાેડાઇ શકે તે માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. સંસ્થાના ઇન્ડસ્ટ્રીયલ પાર્ટનર મારુતિ સુઝુકીના સહયોગથી પણ ઇન્ડસ્ટ્રીયલ ફેકલ્ટી દ્વારા તાલીમની વ્યવસ્થા કરવામાં આવે છે. સંસ્થા ખાતે તાલીમાર્થીઓ માટે ઇકો ફ્રેન્ડલી વાતાવરણ પણ પૂરું પાડવામાં આવે છે.સમગ્ર ગુજરાત રાજ્યમાં નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ખાતેની સરકારી આઈટીઆઈને શ્રેષ્ઠ કામગીરી બદલ તૃતીય સ્થાન પ્રાપ્ત થયું છે. સંસ્થાને શ્રેષ્ઠ કામગીરી માટે તૃતીય પરિતોષીકથી નવાજવામાં આવી છે. જે નડિયાદ સહિત સમગ્ર જિલ્લા માટે ગૌરવવંતી બાબત કહી શકાય.


