અમદાવાદ
ત્રીજી લહેરમાં આવતા કેસોમાં ગંભીરતા નથી, પરંતુ લોકોમાં કોરોનાને કારણે ડર છે, જેથી સામાન્ય લક્ષણો આવતા કે કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલી વ્યક્તિ રિપોર્ટ કરાવવા જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેસ્ટિંગ ડોમ પર સવારથી જ લોકો ટેસ્ટ કરાવવા પહોંચે છે, જેને લઈને વસ્ત્રાપુર લેક પાસેના ડોમ પર પણ સવારથી જ ટેસ્ટ કરાવવા લાંબી લાઈન લાગી હતી. ૩૦-૩૫ લોકો ટેસ્ટ કરાવવા લાઈનમાં ઊભા હતા. ઉપરાંત ખાનગી લેબોરેટરીમાં પણ પૈસા ખર્ચીને પણ ટેસ્ટ કરાવવા લોકોની લાઈન લાગી હતી. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઈકાલે શહેરમાં ૫૯૯૮ અને જિલ્લામાં ૮૦ મળીને કુલ ૬૦૭૮ કેસ નોંધાયા હતા. કોરોનાની ત્રણેય લહેરમાં પહેલીવાર એક જ દિવસમાં ૬૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલાં ૨૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ ૫,૮૬૪ કેસ અમદાવાદમાં આવ્યા હતા. જ્યારે ૩ દર્દીનાં ગઈકાલે કોરોનાથી મોત થયાં હતાં. શહેરમાં હાલ ૧૦૫ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન એક્ટિવ છે. ૫૯૯૮ કેસમાંથી લગભગ ૭૦ ટકા કેસ તો પશ્ચિમના વિસ્તારોમાં જ નોંધાયા છે. આ ઉપરાંત મંગળવારે કોરોનાથી વધુ ૩ દર્દીનાં મૃત્યુ થયાં હતાં. લગભગ ૨૨૪ દિવસના ગાળા પછી આટલાં મોત નોંધાયાં છે. અગાઉ ૯ જૂને ૩ દર્દીનાં મૃત્યુ થયાં હતાં. અમદાવાદીઓ માટે સૌથી ચિંતાની વાત એ છે કે કોરોના સંક્રમણ વિક્રમ સપાટીએ પહોંચી ગયું છે. શહેરમાં લગભગ ૨૪ હજાર ટેસ્ટ થયા હતા, જેમાંથી ૬ હજાર દર્દી પોઝિટિવ આવ્યા હતા. આમ, પોઝિટિવિટી રેટ ૨૫ થઈ ગયો છે. બીજા અર્થમાં કહીએ તો ટેસ્ટ કરાવનારી દરેક ચોથી વ્યક્તિ પોઝિટિવ આવી રહી છે. જાેકે સામે રાહતની વાત એ છે કે બીજી લહેરની સરખામણીએ મૃત્યુ અને હોસ્પિટલાઇઝેશનનો દર ઘણો નીચો છે. ૨૪ કલાકમાં ૫૯૯૮ કેસમાંથી માંડ ૩૫૦ દર્દીને દાખલ કરવા પડ્યા હતા.રાજ્યમાં કોરોનાએ પીક પકડી છે, અગાઉની બંને લહેરની તુલનાએ ત્રીજી લહેરમાં રેકોર્ડબ્રેક કેસ આવી રહ્યા છે. ગઈકાલે અમદાવાદમાં પણ ૬૦૦૦થી વધુ કેસ નોંધાયા, જે અત્યારસુધીની ત્રણેય લહેરના સૌથી વધુ કેસ છે. ત્યારે હજુ આગામી દિવસમાં પણ કેસમાં વધારો થઈ શકે છે. શહેરમાં કોરોના ટેસ્ટિંગ ડોમ પર આજે પણ લાંબી ભીડ જાેવા મળી હતી. ગત વર્ષે બીજી લહેર વખતે પણ શહેરમાં ટેસ્ટિંગ માટે આ પ્રકારની લાઈનો લાગતી હતી. ત્યારે ત્રીજી લહેરમાં પણ ફરી વખત એ જ પ્રકારની સ્થિતિ જાેવા મળી રહી છે.


