રાજકોટ
રાજકોટમાં કોરોના કેસમાં વધારો થયો છે. જેમાંથી હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી છે. હાલમાં શહેરની સિવીલ હોસ્પિટલમાં માત્ર ૫૦ દર્દીઓ સારવાર હેઠળ છે. બાકીના મોટા ભાગના લોકો હોમ આઇસોલેટ છે. હોમઆઇસોલેટ દર્દીઓ ઉપર આરોગ્ય વિભાગની ટીમ સતત નજર રાખી રહી છે અને તેની તબિયતની તકેદારી લઇ રહી છે. રાજકોટમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેવા સમયે વિવિધ વિભાગોના અઘિકારીઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પ્રકાશ માંગુડા, ગોંડલના મામલતદાર કે.વી નકુમ, ધોરાજીના મામલતદાર કે.ટી જાેલાપરા પણ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે રાજકોટ આઇબીના ડીવાયએસપી ધાધલ અને તેમના પરિવારના ૫ સભ્યો પણ કોરોના સંક્રમિત થયાં છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાની પણ તબિયત નાદુરસ્ત થઇ છે. તેમનામાં કોરોનાના લક્ષણો જાેવા મળતા તેઓએ પણ ટેસ્ટ કરાવ્યો છે જેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે.રાજકોટ શહેરમાં કોરોના કેસમાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે. ગત ૪૮ કલાકમાં રાજકોટમાં કોરોનાના ૨૫૯૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. વધતાં કેસોને પગલે રાજકોટ મહાનગરપાલિકાના મેયર પ્રદિપ ડવે ટેસ્ટીંગમાં વધારો કરવા અને ટેસ્ટીંગ બુથ સાંજે ૫ વાગ્યાના બદલે સાંજે ૬ઃ૩૦ વાગ્યા સુધી ચાલુ રાખવાની સૂચના આપી છે. અત્યાર સુધી સામે આવેલા દર્દીઓમાં એક ખાસ વાત એ સામે આવી છે કે, જે દર્દીઓએ વેક્સિનનાં બે ડોઝ લીધા છે તેનાં ઉપર વાયરસની અસર ખૂબ ઓછી જાેવા મળી રહી છે. જ્યારે વેકસીન નહીં લેનાર માટે ઑક્સિજનની પણ જરૂર પડી રહી છે. સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ પણ કહ્યું હતું કે, કદાચ ત્રીજી લહેર પિક પર હોય એવું જ લાગે છે હવે કેસની સંખ્યા વધે એવું લાગતું નથી. ટેસ્ટીંગ વધ્યા એટલે કેસ વધ્યા છે.હાલમાં કોરોના વોર્ડમાં દાખલ ૫૦ દર્દીઓ પૈકી ૯ દર્દીઓ ઓક્સિજન પર છે. બાકીના ૪૧ નોર્મલ રૂમમાં છે. અને તેઓમાં માત્ર સામાન્ય લક્ષણ છે. જે લોકોએ વેક્સિનનો ડોઝ લીધો નથી તેવા લોકોને વધારે અસર થઇ છે. પરંતુ જે લોકોએ કોરોના વેક્સિનનાં બંને ડોઝ લીધા છે તેઓની તબિયત સ્થિર છે. જેને લઈને સિવિલ અધિક્ષકે લોકોને તાત્કાલિક વેક્સિનનાં બંને ડોઝ લઈ લેવાની અપીલ કરી છે. સાથે તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણપણે તૈયાર હોવાનો દાવો કર્યો છે.
