રાજકોટ
રાજકોટમાં કોરોના કેસમાં વધારો થતાંની સાથે જ તંત્ર દ્વારા તમામ તાકાતો કામે લગાવી દેવામાં આવી છે. બીજી બાજુ મહાપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા ટેસ્ટીંગ બૂથમાં ટેસ્ટીંગનો સમય વધારવાનો ર્નિણય આજે મેયર ડૉ.પ્રદીપ ડવ દ્વારા લેવામાં આવ્યો છે. મેયરે જણાવ્યું કે અત્યાર સુધી સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી જ બૂથ ઉપર તેમજ આરોગ્ય કેન્દ્રો ઉપર કોરોના ટેસ્ટ કરાવી શકાતો હતો જેમાં દોઢ કલાકનો વધારો કરવામાં આવ્યો છે એટલા માટે હવે લોકો ૬ઃ૩૦ વાગ્યા સુધી ટેસ્ટીંગ કરાવી શકશે. સમય વધારવાનો ફાયદો નોકરિયાત લોકોને થશે જેઓ નોકરી પૂરી કરીને ઘેર પરત ફરતી વખતે સરળતાથી ટેસ્ટીંગ કરાવી શકશે. હાલ રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી બાદ નાયબ આરોગ્ય અધિકારી ડો.ચુનારા પણ કોરોનાગ્રસ્ત થયા છે. આ સિવાય રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પણ હોમ આઈસોલેટ થયા છે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની પણ તબિયત લથડતા તેઓએ જનરલ બોર્ડમાં હાજરી આપવાનું ટાળ્યું હતું અને તેને બદલે આશિષકુમારને જવાબદારી અપાઇ હતી. કમિશનરના સેમ્પલ જાેકે નેગેટિવ આવતા રાહત થઈ હતી. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરના બંગલામાં રસોડામાં ફરજ નિભાવતા એક કર્મચારી પોઝિટિવ આવ્યા છે.રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. સતત બીજા દિવસે ૧૦૦૦થી વધુ કેસ નોંધાયા છે, છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં કુલ ૧૩૮૬ નવા દર્દી સપાટી પર આવ્યા છે. જેમાં શહેરમાં ૧૨૫૯ અને ગ્રામ્યમાં ૧૨૯ દર્દી નોંધાયા છે.આ સાથે એક્ટિવ કેસની સંખ્યા ૪૭૩૨ થઈ છે જાે આ ગતિએ કેસ આવ્યા તો એક જ દિવસમાં ૫૫૦૦ને પાર થઈ જશે તેમજ હાલ કોરોનાના કુલ કેસ ૪૯૫૧૯ અને તે પણ ૫૦,૦૦૦ને પાર થઈ જશે તેમજ એક્ટિવ કેસ કે જે બીજી લહેરમાં સૌથી વધુ ૫૧૦૦ સુધી પહોંચ્યા હતા તેનો પણ રેકોર્ડ તૂટી જશે આ રીતે એક જ સપ્તાહમાં સૌથી વધુ કેસ અને સૌથી વધુ એક્ટિવ કેસ એમ બે રેકોર્ડ તૂટશે. રાહતની વાત એ છે કે, બીજી લહેરની સરખામણીમાં હોસ્પિટલાઈઝેશન અત્યંત ઓછું છે.


