ન્યુદિલ્હી,
હાલમાં વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર જાેવા મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં દરરોજ ૨૯ લાખ કેસ નોંધાયા છે. છેલ્લા ૪ અઠવાડિયામાં આફ્રિકામાં કોવિડના કેસમાં ઘટાડો થયો છે, જ્યારે એશિયામાં કોવિડના કેસ વધ્યા છે, જ્યારે યુરોપમાં કેસમાં ઘટાડો જાેવા મળ્યો છે. જાે કે રાહતની વાત એ છે કે આ સમય દરમિયાન હોસ્પિટલમાં દાખલ થવાની અને મૃત્યુની સંખ્યા ઘણી ઓછી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩ લાખ ૪૭ હજારથી વધુ કોરોના દર્દીઓ મળી આવ્યા છે. ગુરુવારની સરખામણીમાં શુક્રવારે દેશમાં ૨૯,૭૨૨ વધુ કેસ નોંધાયા છે. ગુરુવારે, કોરોના વાયરસના ૩,૧૭,૫૩૨ કેસ હતા. નવા કેસ બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા ૨૦ લાખને પાર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વાયરસને કારણે અત્યાર સુધીમાં ૪,૮૮,૩૯૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાની સાથે ભારતમાં ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે, જે ચિંતાજનક છે.હાલમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, જેના કારણે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે. જાેકે, મુંબઈ જેવા મહાનગરમાં નવા કેસોની સંખ્યા પહેલા કરતા ઓછી છે. પરંતુ હજુ પણ કેટલાક રાજ્યો એવા છે જ્યાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં કોરોના હજુ પણ ચિંતાનો વિષય છે. આ રાજ્યોમાં સાપ્તાહિક હકારાત્મકતા દરમાં ક્રમશ વધારો જાેવા મળ્યો છે. જાે આપણે આંકડાઓ પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં પહેલા ૨૦.૩૫ ટકા અને હવે ૨૨.૧૨ ટકા , કર્ણાટકમાં પહેલા ૬.૭૮ ટકા અને હવે ૧૫.૧૨ ટકા, તમિલનાડુમાં પહેલા ૧૦.૭૦ ટકા અને હવે ૨૦.૫૦ટકા , કેરળમાં પહેલા ૧૨.૨૮ ટકા અને હવે ૩૨.૩૪ ટકા, દિલ્હીમાં પહેલા ૨૧.૭૦ ટકા અને હવે ૩૦.૫૩ ટકા, ઉત્તર પ્રદેશમાં પહેલા ૩.૩૨ ટકા અને હવે ૬.૩૩ ટકા પોઝિટિવિટી રેટ નોંધાયો છે, જે ચિંતાનો વિષય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, દેશભરમાં ૫૧૫ જિલ્લા એવા છે જ્યાં છેલ્લા અઠવાડિયામાં સકારાત્મકતા દર ૫ ટકાથી વધુ રહ્યો છે.