આણંદ
વિદ્યાનગરના અલ્પેશભાઇ શાહે આણંદમાં આવેલી સહારા ઇન્ડિયા કો.ઓ.સોસા.લિ.માં ૧૫ નવેમ્બર ૨૦૧૭ના રોજ ૨.૯૮ લાખની રકમ ૧૫ મે ૨૦૧૯ના રોજ પાકે તે રીતે થાપણ કરાવી હતી. જે થાપણની કુલ રકમ વ્યાજ સહિત રૂ.૩.૪૬ લાખ થતી હતી. આ ઉપરાંત તા.૧ જાન્યુઆરી ૨૦૧૮ થી દરરોજના રૂ.૧૦૦ લેખે ૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધીની રીકરીંગ ડીપોઝીટમાં પણ બચત રકમ ભરી હતી. આ તમામ રીકરીંગ અને બાંધી મુદ્દતની થાપણો પર વ્યાજની રકમ ગણવાની બાકી હોવા સાથે મુદ્દત વીતી જવા છતાં સંસ્થા દ્વારા થાપણદાર અલ્પેશભાઇ શાહની વારંવારની માંગણી હોવા છતાં હકના નાણાં સહારા ઇન્ડિયા દ્વારા ચુકવવામાં આવતા નહોતા.આથી નાણાં પરત મેળવવા તેઓ દ્વારા આણંદ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસ આણંદ ગ્રાહક કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા સહારા ઇન્ડિયા તેમજ અલીગંજના મેનેજરને નોટિસ બજાવવા છતાંયે તેઓ જાતે કે વકીલ કોર્ટમાં ઉપસ્થિત થયા નહોતા. ઉપરાંત અલ્પેશભાઇ શાહની ફરિયાદ સંદર્ભ કોઇ લેખિત જવાબ રજૂ કર્યો નહોતો. આથી કોર્ટે ફરિયાદીના વકીલની દલીલો, રજૂ કરેલ પુરાવા, ડીપોઝીટની રસીદો સહિતની બાબતો ધ્યાને લીધી હતી.આ કેસમાં ગ્રાહક કોર્ટે અલ્પેશભાઇ શાહને સહારા ઇન્ડિયા કો.ઓ.સોસા.માં મૂકેલા રૂ. ૪ લાખ ૧૯ હજાર ૫૭૪ બે માસમાં ચૂકવી આપવા તથા ફરિયાદ દાખલ કર્યા તારીખથી વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ ચૂકવવા હુકમ કર્યો હતો. વધુમાં અરજદારને માનસિક ત્રાસના રૂ.૩ હજાર અને અરજી ખર્ચના ૨ હજાર પણ ચૂકવવા સહારા ઇન્ડિયાને હુકમ કર્યો હતો.આજના સમયની કારમી મોંઘવારીમાં વ્યક્તિ ભવિષ્યની જરૂરિયાત અને કૌટુંબિક ખર્ચને પહોંચી વળવા નાણાંકીય આયોજનો કરતા હોય છે. આ બાબતે વ્યક્તિ વિવિધ નાણાંકીય સંસ્થા, બેંકો, કો.ઓ.ક્રેડિટ સોસાયટીઓ સાહિતમાં મહેનતથી કામયેલી મૂડી બચત સ્વરૂપે કે થાપણ સ્વરૂપે મુકતા હોય છે. વિદ્યાનગરના થાપણદારે સહારા ઇન્ડિયામાં મૂકાયેલી ૪.૧૯ લાખની ડીપોઝીટ પાકતી મુદ્દતે પરત ચૂકવવામાં આવી નહોતી. થાપણદાર દ્વારા સંસ્થાની ઓફિસે વારંવાર માંગણી, રજૂઆત છતાંયે ઉકેલ ન આવતા આણંદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં તમામ બાબતો, ડીપોઝીટની રસીદો વગેરે ધ્યાને લઇને ગ્રાહક કોર્ટે અરજદારને ૪.૧૯ લાખ ચૂકવવા સહારા ઇન્ડિયા હુકમ કર્યો હતો.


