પાટણ
ધારાસભ્યની ચીમકીના પગલે સફાળી જાગેલી રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે પાટણ જિલ્લામાં ૮૦૦ મેટ્રિક ટન યુરિયા ખાતર ફાળવવામાં આવ્યું હોવાનું પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યુ હતું. વધુમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે મને કૃષિ વિભાગમાંથી જાણ કરાઈ છે કે આજે શનિવારે સિદ્ધપુર ખાતે ૮૦૦ મેટ્રિક ટન ખાતરની રેન્ક આવશે. જેથી પાટણ જિલ્લાના ખેડૂતોને ખાતર મળી રહેશે. પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલની ઉગ્ર માંગ સાથે તાળાબંધીની ચીમકીને પગલે રાજ્ય સરકાર દ્વારા પાટણ પંથકના ખેડૂતો માટે ૮૦૦ મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવ્યો હતો. જેને લઇને પાટણ પંથકના ખેડૂતોએ ડો. કિરીટ પટેલનો આભાર વ્યક્ત કરી સરકાર દ્વારા પાટણ પંથકમાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો હોવાની ખુશી વ્યક્ત કરી હતી.પાટણના ધારાસભ્ય ખાતરની અછત મામલે ગઈકાલે શુક્રવારે સવારે પાટણના નવા માર્કેટ યાર્ડ ખાતે કાર્યરત સરકારી નર્મદા ખાતર ડેપો ઉપર ગયા હતા. જ્યાં તેમણે પાટણ પંથકના ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ બને તેવી માંગ સાથે તાળાબંધીની ચીમકી આપી હતી.


