વડોદરા
વડોદરા શહેર અને જિલ્લામાં ૧૧,૮૧૭ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૩૧.૩૮ ટકા પોઝિટિવિટી રેટ સાથે ૩૭૦૯ કેસ નોંધાયા હતા. ઉલ્લેખનિય છે કે, ૯ જાન્યુઆરીએ કોરોનાનો પોઝિટિવીટી રેટ ૩.૯૬ ટકા હતો, જે ૧૨ દિવસ બાદ ૨૨ જાન્યુઆરીએ ૮ ગણો વધીને ૩૧.૩૮ ટકા ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં ૧૫,૭૪૯ એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી ૧૫,૪૮૫ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે ૨૬૪ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ૧૫ દર્દીઓ વેન્ટિલેટર પર, ૩૮ દર્દીઓ આઇસીયુમાં અને ૯૪ દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં ૧૪,૮૩૬ દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં શનિવારે તાંદલજા, બાપોદ, એકતાનગર, માંજલપુર, હરણી, સુદામાપુરી, વાઘોડિયા રોડ, ગોત્રી, રામદેવનગર, કપુરાઈ, સવાદ, જેતલપુર, શિયાબાગ, અકોટા, ફતેપુરા, છાણી, કિશનવાડી, વડસર અને મકરપુરામાં વિસ્તારમાં નવા કેસો નોંધાયા છે વડોદરામાં શનિવારે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં ૫૯૯, પશ્ચિમ ઝોનમાં ૭૬૭, ઉત્તર ઝોનમાં ૭૦૬ અને દક્ષિણ ઝોનમાં ૭૫૧ કેસ નોંધાયા હતા. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં ૮૮૬ કેસ નોંધાયા હતા.વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૩૭૦૯ કેસ નોંધાયા છે. શુક્રવારે કોરોનાના ૨૯૪૧ કેસ નોંધાયા હતા. આમ શુક્રવારની સરખામણીમાં શનિવારે કોરોનાના ૭૬૮ કેસ વધારે નોંધાયા હતા. આમ વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા ૯૬,૦૯૦ ઉપર પહોંચી ગઇ છે. શનિવારે વધુ ૧૨૦૩ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૭૯,૭૧૫ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૬ દર્દીના મોત થયા છે. વડોદરામાં ૧૬ જાન્યુઆરીના રોજ ૧૨૪૨ કેસ નોંધાયા હતા અને ૨૨ જાન્યુઆરીએ ૩૭૦૯ કેસ નોંધાયા હતા. આમ ૬ દિવસમાં કોરોનાના કેસોમાં ૩ ગણો વધારો થયો છે.
