સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હા, મિષ્ટી નામની આ બિલાડી આમ તો એક પ્રાણી જ છે પરંતુ લાગણીઓના લગાવથી સંપૂર્ણ બંધાયેલી જોવા મળે છે. હા, ચલાલાનાં પીઢ પત્રકાર હરગોવિંદભાઈ મૂળજીભાઈ પાંધીનું નિધન થતાંની સાથે આ મિષ્ટી નામની બિલાડી પણ વિહ્વળ અને વ્યથિત જોવા મળી રહી છે. આ હકીકત છે.!! પહેલાં તો સમગ્ર ઘરને ફેંદી નાખ્યું કે ક્યાં છે જે મને રોજ વહેલી સવારથી સાંજ સુધીનો સથવારા સમા એ ૮૩ વર્ષનાં પિતાતુલ્ય માનવી.. મને પણ શરૂઆતમાં આ વાત કપોળ કલ્પિત લાગતી હતી પરંતુ જ્યારે એમની સદેહ ગેરહાજરી જોવા મળી અને એની તસવીર સામે એક અખંડ દીપ જ્યોતિ પ્રગટાવીને હ્રદયથી પ્રાર્થના કરતી વખતે પણ આ મિષ્ટી નામની બિલાડી એ તસવીરની આળેગાળે વિંટળાતી હોય અને બસ બેહદ ઇંતેજારીથી પેલી તસવીરમાં એ પત્રકારને ખોળતી નજરે પડતી જોવા મળી. આમ તેમ મથામણ કર્યા પછી અંતે થાકી હારીને એ તસવીરની બરોબર લગોલગ દુખદ હૈયે બેસીને કંઈક કહેતી જોવા મળી.!!કદાચ આપણે તેની ભાષા સમજી શકીએ તો.!! જો કે એના ભાવ જોઈને જ એને આ વિયોગ જાણે કપરો લાગતો હોય તેવું પણ લાગતું હતું.!! ખૈર એક પ્રાણીને પણ જો આવી માયા બંધાતી હોય તો આપણે તો કાચી માટીના પામર મનુષ્ય છીએ..!! ખરેખર વિદાયની પળ ખૂબ વસમી જ હોય છે એ આ વાત પરથી પણ ફલિત થાય છે. મનને ગમે તેટલું સમજાવો કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા છે પણ એ કદી પણ આ સાંસારિક બંધનોનાં વળગણથી પર થતું નથી.. આ બિલાડી પણ કદાચ પુનર્જન્મ લે તો પણ આ માયાના બંધનો તો ન જ તૂટે.. એ રિશ્તા તો અહેસાસ કા હૈં, બતાઓ તુમ ભી યે કૈસે છૂટે. હા, દેહ નશ્વર છે પણ જીવને પણ માયા અને મહોબ્બત હોતી જ હશે. અને કદાચ એટલે જ એ શિવ શરણને પામવા કેવી કપરી માનસિક મથામણ કરે એ જોતાં આ ચિતડું પણ ચકડોળે તો અવશ્ય ચડે..!!! જૂઓ તો ખરાં આ ધરાં પર કેવાં અજબ ગજબનાં બંધનો નિર્માણ થાય છે..ક્યાં મિષ્ટી નામની એ બિલાડી અને ક્યાં આ ધરાંથી દૂર આકાશની પેલે પાર એ પત્રકારનો આત્મા..!! પણ કહેવાય છે કે જ્યાંથી બુધ્ધિ વિચારવાનું બંધ કરે ત્યાંથી આ અગોચરની સૃષ્ટિ નિર્માણ પામે..!! અંતે એટલું જ કહેવાય કે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ..!!


