વલસાડ
વાપીમાં આવેલ જીઆઈડીસીથર્ડ ફેઝ વિસ્તારમાં બપોરે ત્રણેક વાગ્યા આસપાસ એક ટેન્કર ચાલકે બોલેરો પિક અપ વાનને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.ઘટનાની મળતી વિગતો મુજબ વાપી જીઆઈડીસીમાં આવેલ ઇશીતા ઇમ્પેક્ષ નામની કંપનીમાંથી માલ ભરી બોલેરો પિક અપ નંબર જીજે૧૫-એટી-૦૮૯૬ નો ડ્રાઇવર ચંદ્રગુપ્ત સાલીક રામ ગુપ્તા ટ્રાન્સપોર્ટમાં માલ ખાલી કરવા નીકળ્યો હતો. જેની સાથે કંપનીનો એક મજૂર પણ પાછળ બેસેલો હતો. બોલેરો લઈને નીકળેલ ચંદ્રગુપ્ત માઈક્રો ઇન્ક કંપની નજીક પહોંચ્યો ત્યારે ચાર રસ્તા પર અચાનક જ એમએચ૦૪-એફજે-૫૩૯૯ નંબરના ટેન્કર ચાલકે બોલેરોને અડફેટે લીધો હતો. ટેન્કરની ટકકરે બોલેરો પલ્ટી મારી ગયો હતો. અને તેમાં પાછળ બેસલો મજૂર ગંભીર ઘાયલ થયો હોય ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. જ્યારે બોલેરોનો ડ્રાઇવર ઘાયલ થયો હતો. અકસ્માત સમયે આસપાસના લોકો ઘટના સ્થળે ધસી આવ્યા હતા. જેઓને જાેઈને ટેન્કર ચાલક ભાગ્યો હતો. જેને પકડીને લોકોએ ધોલ ધપાટ કરી હતી. તેમજ પોલીસને જાણ કરી પોલીસ આવી ત્યારે તેને સુપ્રત કર્યો હતો. અકસ્માતની ઘટનામાં મૃતક મજૂરનો પરિવાર પણ ઘટના સ્થળે ધસી આવ્યો હતો. જેઓએ મૃતકને જાેઈને કાળજું કંપાવતું આક્રંદ કર્યું હતું. અકસ્માતની આ ઘટના બાદ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા કે અહીં ચાર રસ્તા પર મુખ્ય માર્ગના આંતરિક માર્ગ પર સ્પીડ બ્રેકર ના હોય ચારે તરફથી આવતા વાહનો પુરપાટ વેગે આવે છે. અને અવારનવાર અકસ્માત સર્જાય છે. આજે બનેલ અકસ્માતમાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ જીઆઈડીસીપોલીસે ટેન્કર ચાલકને પકડી મૃતક મજૂરના મૃતદેહને એમ્બ્યુલન્સ માં પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.