વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબમાં પોતાની પ્રથમ વર્ચ્યુઅલ રેલી કરી હતી. તેમાં તેમને લુધિયાણા અને ફતેહગઢ સાહિબના લોકોને સંબોધિત કર્યા હતા. વર્ચ્યુઅલ રેલીમાં વડાપ્રધાને કહ્યું કે પંજાબ માટે આજે વાસ્તવિક પરિવર્તનનો સમય છે. ભાજપ પોતાના સાથીઓની સાથે પંજાબના વિકાસ માટે રોડમેપ લઈને આવી છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને નિશાના પર લીધું અને કહ્યું કે ભાજપ રાષ્ટ્રહિતમાં કામ કરે છે. ઘણા લોકો શીખ ધર્મનો વિરોધ કરે છે. કોંગ્રેસે શીખ નરસંહાર કરાવ્યો અને ભાજપે સજા અપાવી.ભાજપે પણ પંજાબની ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પંજાબમાં ત્રણ રેલીઓ કરશે. પંજાબ રાજ્યના ભાજપના મહાસચિવ સુભાષ શર્માએ આ માહિતી આપી છે. પીએમ મોદી ૧૪, ૧૬ અને ૧૭ ફેબ્રુઆરીએ પંજાબ, માલવા, દોઆબા અને માઝાના ત્રણેય પ્રદેશોમાં ૩ જાહેરસભાઓને સંબોધિત કરશે. તેઓ ૧૪ ફેબ્રુઆરીએ જલંધરમાં પહેલી રેલી, ૧૬ ફેબ્રુઆરીએ પઠાણકોટમાં બીજી અને ૧૭ ફેબ્રુઆરીએ અબોહરમાં ત્રીજી રેલીને સંબોધિત કરશે. ભાજપ મહાસચિવે કહ્યું કે વડાપ્રધાનની રેલીઓ રાજ્યનું રાજકીય વાતાવરણ બદલી નાખશે અને એનડીએની ચૂંટણી લડશે. વડાપ્રધાન મોદીની રેલીના કારણે તમામ ઉમેદવારોનો આત્મવિશ્વાસ વધુ વધશે. વડાપ્રધાન રાજ્યના ત્રણેય વિસ્તારોને જલંધરના દોઆબા, માઝાના પઠાણકોટ અને માલવાના અબોહરમાં આવરી લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ ફેબ્રુઆરીએ જલંધરમાં એક જનસભાને સંબોધિત કરશે. ત્યારે વડાપ્રધાન મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ડીજીપીથી લઈને સ્થાનિક પોલીસ કમિશનર સુધી તેમની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. પીએમ મોદી ૧૪ ફેબ્રુઆરીએ બપોરે ૨ વાગ્યે એક જાહેર સભાને સંબોધશે, જેના માટે સ્થાનિક ભાજપના નેતાઓએ તૈયારીઓ કરી લીધી છે. વડાપ્રધાનની સુરક્ષા અધિકારીઓની અગ્રણી ટીમ પંજાબ પહોંચી ચૂકી છે અને પીએપીમાં હેલિકોપ્ટર ઉતારવાને લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે. ભાજપ તરફથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે પીએપી મેદાનનો જ જનસભા માટે ઉપયોગ કરવામાં આવે તો સારૂ રહેશે. વડાપ્રધાનને રોડ માર્ગે ના લાવવામાં આવે. ભાજપ નેતા સુશીલ શર્માનું કહેવું છે કે હાલ મેદાન ફાઈનલ નથી કરવામાં આવ્યું, તેના માટે વિચાર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ૨૦ ફેબ્રુઆરીએ પંજાબમાં મતદાન થવાનું છે.