વડોદરા
૩ ફેબ્રુઆરીના રાવપુરાની સંસ્થા વસાહત પાસે દારૂના વેચાણની બાતમી મળતા રાવપુરા પોલીસે હિરેન સુરેશભાઈ ઠક્કર (રહે. પ્રતાપ રોડ, સંસ્થા વસાહત ગેટ સામે) બુટલેગરની ધરપકડ ન કરી માત્ર ૬ દારૂની બોટલો કબજે કરી હતી. આ ઘટનાના ૧ કલાક બાદ પીસીબીએ બાતમીના આધારે આ જ સ્થળ પર દરોડો પાડી બુટલેગરની ધરપકડ કરીને દારૂની ૧૬ બોટલો કબજે કરતા રાવપુરા ડિસ્ટાફની ફરિયાદ પોલીસ કમિશનર પાસે પહોંચી હતી. જેને પગલે ડીસીપી જયરાજસિંહ વાળાને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં ૫ પોલીસ કર્મચારી દોષિત જણાયા હતા. એલઆરડી થી માંડી એએસઆઈ સુધીના આ કર્મચારીઓનાં નામ હેડ કોન્સ્ટેબલ મુખ્તાર અહેમદ શોકતઅલી, લોકરક્ષક વિપુલ દુલાભાઈ, લોકરક્ષક આકાશ ભાનુભાઈ અને એએસઆઈ રાજુ પુંજાભાઈ છે. જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે દરોડા બાદ સિટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવેલા અને દરોડાના કેસની તપાસ કરી રહેલા એએસઆઈ સલાઉદ્દીન સીદ્દીભાઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કારેલીબાગમાં સાગમટે ૮૭ કર્મચારીના બદલીના બીજા દિવસે રાવપુરા પોલીસના ૫ કર્મચારી સામે તવાઇ આવી હતી.રાવપુરા પોલીસની બુટલેગરની દુકાનમાં પાડેલા શંકાસ્પદ દરોડા અંગે શહેર પોલીસ કમિશનરે ઝોન-૨ ડીસીપીને તપાસ સોંપતા દરોડામાં સામેલ ૫ પોલીસ કર્મચારીઓ દોષિત જણાતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે આરોપીઓને છાવરતા પોલીસકર્મચારીઓ સામે લાલ આંખ કરતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
