વડોદરા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત માત્ર ૨૪ કલાકમાં શાસક પક્ષ ભાજપા દ્વારા વિરોધ પક્ષના આક્ષેપો વચ્ચે બહુમતીના જાેરે રૂપિયા ૩૮૩૮ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી ચાલેલી સભામાં બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. વિપક્ષે બજેટને નિરાશાઓનું કોકટેલ ગણાવ્યું છે. બે દિવસથી ચાલી રહેલી બજેટ અંગેની વિશેષ સભાના આજે બીજા દિવસની સભામાં ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સૂર્વેએ જણાવ્યું હતું કે, પાછલા પાંચ વર્ષના બજેટના કામો ફરી દર્શાવવામાં આવ્યા છે. જૂના કામો બજેટમાં બતાવવાના બદલે હટાવી દેવા જાેઇએ. બજેટમાં દર્શાવેલા પૈકી કેટલાક કામો આગામી ત્રણ વર્ષે પણ પૂરાં થાય તેમ નથી. જેથી તેને પણ કાઢી નાખવા જાેઈએ. વડોદરામાં ફાયર સ્ટેશનની સંખ્યા ખૂબ ઓછી છે. સયાજી હોસ્પિટલ પાસે એપીએસ સેન્ટરની પ્રેશર લાઈન તૂટી જતા ડ્રેનેજનું ગંદુ પાણી વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચા બાદ દીપક ઓપન થિયેટર જમીનદોસ્ત કર્યું હતું. જ્યાં હવે અતિથિગૃહ બનાવવાનું આયોજન થયું છે પરંતુ ત્રણ વર્ષથી અંદાજપત્ર બનાવવામાં આવ્યું નથી. જન્મ મરણની નોંધણી ઓનલાઇન પરંતુ સર્ટિફિકેટ માટે રૂબરૂ જવું પડે છે. ડોર ટુ ડોર કચરાના વાહનો કામગીરીમાં ઠીલાશ દાખવે છે. કોર્પોરેશને ૧૦૦ કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા ઊભા કર્યા પરંતુ હવે તેની આવક પોલીસ વિભાગ મેળવી રહ્યું છે. ગોત્રી વિસ્તારમાં સ્ટેડિયમ બનાવવાનું આયોજન હાથ ધર્યા બાદ ચાલુ વર્ષના બજેટમાં કામ કાઢી નાખવામાં આવ્યું છે. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કોરોનાની ત્રીજી લહેરમાં આરટીપીસીઆરના રિપોર્ટ હેલ્થ સેન્ટર પરથી આપવામાં આવતા ન હતા જેથી લોકોને મુશ્કેલી પડી હતી. મેયરે જવાબ આપતાં જણાવ્યું કે, આ વાત ખોટી છે. આરટીપીસીઆરના રિપોર્ટ હેલ્થ સેન્ટર પરથી આપવામાં આવતા હતા. તે સામે કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે જણાવ્યું કે, આ વાત ખોટી છે. આરોગ્ય અમલદારને બોલાવો તો ખબર પડશે. આ સામે મેયરે તાત્કાલિક આરોગ્ય અમલદારને સમગ્ર સભામાં બોલાવવામાં આવ્યા હતા. અને તેઓની પાસે જવાબ માંગતા આરોગ્ય અમલદારે જણાવ્યું હતું કે, દરેક હેલ્થ સેન્ટરમાંથી અને ધન્વંતરિ રથમાં આવતા દર્દીઓને આરટીપીસીઆરનો ટેસ્ટ કરવામાં આવતો હતો અને તે ગોત્રી હોસ્પિટલમાં રિપોર્ટ માટે મોકલવામાં આવતા હતા તે રિપોર્ટ આવ્યા બાદ દર્દીઓને આપવામાં આવતા હતા. ભાજપના તમામ કોર્પોરેટરો ઊભા થઈને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પાસે માફી મંગાવવા બુમરાણ મચાવી હતી. પુષ્પાબેન વાઘેલાએ આરોગ્ય અમલદારને સામે પ્રશ્ન પૂછવા જતા મેયરે આરોગ્ય અમલદાર કોઈ જવાબ આપે તે પહેલાં જ પાછા જવા સૂચના આપી હતી આખરે પુષ્પાબેન વાઘેલાએ તેઓએ કરેલા આક્ષેપો પાછા ખેંચ્યા હતા. વડોદરા શહેરમાં ચૂંટાયેલા પક્ષના વિવિધ હોદ્દેદારોને જીપીએમસી એક્ટની જાેગવાઈ વગર અનેક સવલતો અને સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. પ્રજાના નાણાનો વ્યય કરી ગેરકાયદેસર રીતે તેઓને આ સવલત આપવામાં આવી છે. જેથી તે બંધ થવી જાેઈએ તેમજ તંદુરસ્ત લોકશાહીમાં વિપક્ષી નેતાના પદનું મહત્વ સમજી પ્રણાલિકા મુજબ વિપક્ષના નેતાને માન્યતા આપી વિવિધ બેઠકોમાં જાેગવાઈ પ્રમાણે સમાવેશ કરવા જાેઈએ. ઉપરોક્ત બાબત અંગેની દરખાસ્ત સંદર્ભે આજે સભામાં ચર્ચા થશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર સભામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે પોતાના શબ્દો પાછા ખેંચી લીધા બાદ કોંગ્રેસના જહા ભરવાડે જણાવ્યું કે, તમે સિનિયર કાઉન્સિલર હોવા છતાં તેમણે કરેલી રજૂઆતના શબ્દો પાછા ખેંચાવી માફી મંગાવો છો તો જે હોદ્દેદાર છે તેઓ સમગ્ર સભામાં ગાળો બોલ્યા હોય છતાં પણ તેઓ માફી માગતા નથી. તે કેટલું યોગ્ય કહેવાય.
