કીવ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના યુક્રેનના વિસ્તારોને અલગ દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત બાદ યુક્રેન, અમેરિકા અને છ અન્ય દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને બેઠક બોલાવવાની અપીલ કરી હતી. ત્યારબાદ એક ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી. હવે આ મુદ્દે એક ઓપન બેઠક આયોજિત કરાશે. જેમાં ભારત પણ નિવેદન આપશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક પહેલા એવું મનાઈ રહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર કોઈ કાર્યવાહી કે કડક નિવેદન આપશે નહીં કારણ કે રશિયા પાસે વીટો પાવર છે. પશ્ચિમી દેશ છેલ્લા કેટલાક સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના જાેખમને ટાળવાની કોશિશમાં લાગ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ પણ તેમા મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં હતાં તેમના પ્રયત્નોના પગલે જ અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને પોતાના રશિયન સમકક્ષ પુતિન સાથે મુલાકાત પર હા પાડી હતી. પરંતુ હવે તમામ સમીકરણો પલટી ગયા છે. એક્સપર્ટ્સનું માનવું છે કે હવે યુદ્ધ લગભગ નક્કી છે. યુદ્ધ રોકવા માટે અમેરિકા વગેરે પશ્ચિમી દેશો રશિયાને સતત પ્રતિબંધોની ધમકી આપી રહ્યા છે. જાે કે રશિયાએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેને કોઈનો ડર નથી. પૂર્વ યુક્રેનથી અલગ થયેલા બે પ્રાંત ડોન્ત્સક અને લુહાંસ્કને અલગ દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત સમયે પુતિને પ્રતિબંધોની ધમકીઓનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે પશ્ચિમી દેશો અમને પ્રતિબંધોની ધમકી આપીને બ્લેકમેઈલની કોશિશ કરી રહ્યા છે. તેમનો ફક્ત એક જ લક્ષ્ય છે રશિયાના વિકાસને રોકવાનો અને તેઓ તેમ કરશે. અમે અમારા સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય હિતો અને અમારા મૂલ્યો સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં. અમેરિકી રાષ્ટ્રપતિએ આ મુદ્દે ટ્વીટ કરીને પોતાનું રિએક્શન આપ્યું. તેમણે લખ્યું કે રશિયાને આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગ કરવા બદલ અનેક પ્રકારના મળતા ફાયદાથી વંચિત રાખવા માટે એક એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે જ યુક્રેન સહિત અન્ય સહયોગીઓ સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ. અમેરિકાએ ડોનેત્સ્ક અને લુહાંસ્ક પર જે પ્રતિબંધો લગાવ્યા છે તેમાં અમેરિકી લોકો દ્વારા આ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના રોકાણ, વેપાર વગેરે નહીં કરવામાં આવે. બાઈડેને કહ્યું કે રશિયાએ મિન્સ્ક સમજૂતિનો ભંગ કર્યો છે. જેનાથી યુક્રેનની શાંતિ, સ્થિરતા અને ત્યાંની પરંપરાઓ માટે જાેખમ પેદા થયું છે. જ્યારે રશિયાના આ પગલાંથી અમેરિકાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ જાેખમ પેદા થયું છે. રશિયા દ્વારા યુક્રેનના બંને વિસ્તારોને અલગ દેશ તરીકે માન્યતા આપવાના ર્નિણય બાદ તમામ સમીકરણો બદલાઈ ગયા છે. જેને યુદ્ધ ટાળવાની કોશિશોને આ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ આ મામલે ઈમરજન્સી બેઠક બોલાવી. સોમવારે રાતે થયેલી આ બેઠકમાં રશિયાના પગલાં અને તેના સંભવિત પરિણામો પર ચર્ચા કરાઈ. આ સાથે જ યુક્રેનની ચિંતાઓ ઉપર પણ વાતચીત થઈ.
