અમરેલીમાં કોરોનાના આજના વધુ ૨ કેસ મળી કુલ ૪ કેસ નોંધાયા
નાના જીંજુડાના ૪૫ વર્ષીય મહિલા અને ચાડીયાના ૪૨ વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ
જિલ્લા કલેક્ટરશ્રીએ બંને ગામોની મુલાકાત લીધી : બંને ગામો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાશે
અમરેલી, તા: ૨૩ મે
અમરેલી જિલ્લામાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજરોજ તા. ૨૩ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૨ પોઝિટિવ કેસ મળી કુલ ૪ કેસ નોંધાયેલ છે.
પ્રથમ કેસ સાવરકુંડલાના નાના જિંજુડા ખાતે ૪૫ વર્ષીય મહિલાનો નોંધાયો છે. આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથી. પરન્તુ તા. ૮ પછી આ મહિલાનાં ઘરે સુરતથી લોકો આવેલા હતા. તેમને ૨ દિવસ પૂર્વે શરદી-ખાંસીના લક્ષણો જણાતાં સૌપ્રથમ ખાનગી દવાખાનામાં અને ત્યારબાદ સિવિલમાં તપાસ કરાવતા ગઈકાલે તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને આજે તેમને કોરોના પોઝિટિવ આવતાં હાલ તેને સિવિલ ખાતે દાખલ કરાયા છે.
બીજો કેસ અમરેલીના ચાડીયા ખાતે ૪૨ વર્ષીય પુરુષનો નોંધાયો છે. આ વ્યક્તિ બાપુનગરથી ૨૦ મે ના ખાનગી વાહનમાં અમરેલી આવેલા હતા. તેને તાવ, ખાંસી અને ન્યુમોનિયા જેવા લક્ષણો જણાતાં તા. ૨૧ થી સિવિલ અમરેલીમાં દાખલ કરાયા હતા.
હાલ ચાડીયા ગામ તેમજ સાવરકુંડલાના નાના જીંજુડા ગામને કન્ટેનમેન્ટ ઝોન ઉભું કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમજ આ દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટ્રેસીંગની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આજે જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા બંને ગામોની મુલાકાત લઈ સ્થાનિક સ્ટાફને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
રીપોર્ટર રસીક વેગડા મોટીકુકાવાવ




