મોસ્કો
૨૦૧૪માં રશિયા દ્વારા યૂક્રેનના ક્રિમિયા પર કબજાે જમાવ્યા બાદ અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશોએ રશિયાની ટીકા કરી હતી અને આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. પરંતુ રશિયા આજે પણ ક્રિમિયાને નિયંત્રિત કરે છે. રશિયાની અર્થવ્યવસ્થા તે સમયની મંદીમાંથી બહાર નીકળીને ફરીથી આગળ વધવા લાગી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પણ સારી પેઠે જાણે છે કે યૂક્રેન પર હુમલો કરવાની સ્થિતિમાં દેશે આર્થિક નુકસાન સહન કરવું પડશે. પરંતુ આમ છતાં તેઓ પાછળ હટતા જાેવા મળતા નથી. ૨૦૧૪માં રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોની કેટલીક અસર રશિયા પર પડી હતી. જેના કારણે રશિયન બેંકોને વિદેશી દેવાની સમસ્યા સર્જાઈ હતી અને પશ્ચિમી કંપનીઓને રશિયન તેલ કંપનીઓ સાથે કામ કરવા પર પ્રતિબંધ વેઠવો પડ્યો હતો. ૨૦૧૬ના ઉનાળા સુધી રશિયાની અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં રહી. રૂબલનું મૂલ્ય વૈશ્વિક બજારોમાં પડ્યું, જેના કારણે કંપનીઓ અને ગ્રાહકો માટે અનેક વસ્તુઓના ભાવ વધી ગયા. રાષ્ટ્રપતિ પુતિન પણ આ પ્રભાવથી બાકાત ન રહ્યા. ક્રિમિયા પર કબજા બાદ તેમનું અપ્રુવલ રેટિંગ ૮૦ ટકા હતું જે ત્યારબાદના વર્ષોમાં ૬૦ ટકા સુધી પહોંચી ગયું. પ્રતિબંધોની મોટા સ્તર પર અસર થવા માટે આકરા પ્રતિબંધોની જરૂર હોય છે અને અમેરિકા આવા પ્રતિબંધો લગાવવા અંગે પોતે જ મૂંઝવણમાં છે. એડવર્ડ ફિશમેન અને ક્રિસ મિલર જેવા ઈન્ટરનેશનલ રિલેશન્સ એક્સપર્ટ્સનું માનવું છે કે રશિયાને વાસ્તવમાં દર્દ આપવા માટે અમેરિકા અને યુરોપે કેટલાક મોટા બોજ ઉઠાવવા પડશે. અને પશ્ચિમી દેશ તેના માટે તૈયાર જાેવા મળતા નથી. અમેરિકાએ ઈરાનવાળી નીતિ અપનાવવી જાેઈએ. વૈશ્વિક તેલ બજારો પર સંભવિત પ્રભાવ અને ઈરાનીઓના જીવનસ્તરને નુકસાન થવા છતાં અમેરિકાએ આકરા પ્રતિબંધો લગાવ્યા હતા. આ પ્રતિબંધોના કારણે ઈરાનને પરમાણુ કાર્યક્રમ માટે વાતચીતના ટેબલ પર લાવી શકાયું હતું. રશિયાના મામલે પ્રતિબંધોનો એક વધુ આક્રમક સેટ રશિયન તેલને ખરીદવાથી ઈનકાર કરવાની સાથે શરૂ થઈ શકે છે. જે રશિયાના ખજાના માટે સૌથી મોટો સ્ત્રોત છે. જાે આમ થયું તો પુતિન કઈક હદે વિચારવા માટે મજબૂર થઈ શકે છે. રશિયા હાલના સમયમાં કેશના ઢગલા પર બેઠું છે. આવામાં તેના પર કોઈ પણ સ્તરના પ્રતિબંધની અસરની કદાચ વધુ અસર ન થાય. આ સાથે જ અમેરિકા રશિયા પર એવા કોઈ પ્રતિબંધ લગાવવા નહીં ઈચ્છે જેની અસર યૂક્રેન પર પડે કારણ કે યૂક્રેનની ઈકોનોમી પહેલેથી જ ગગડેલી છે. ચીન પણ આ વિવાદમાં રશિયાની સાથે છે અને તેને નજર અંદાજ કરી શકાય નહીં. હવે જાેવાની વાત એ રહેશે કે શું પશ્ચિમી દેશોના પ્રતિબંધ રશિયાને આગળ વધતા રોકી શકશે?યુદ્ધની વધતી આશંકાઓ વચ્ચે યૂક્રેને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી છે અને પોતાના નાગરિકોને જલદી રશિયા છોડવા જણાવ્યું છે. આ બાજુ રશિયાએ યૂક્રેનથી પોતાના રાજનયિકોને બોલાવવાની જાહેરાત કરી છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશ રશિયાને રોકવા માટે પ્રતિબંધોનો સહારો લઈ રહ્યા છે. અમેરિકા અને યુકેએ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે અને આવનારા દિવસોમાં અનેક નવા પ્રતિબંધો પણ લાગી શકે છે. પરંતુ સવાલ એ છે કે શું જીદ્દી રશિયા પર આ ફોર્મૂલા કામ કરશે ખરા?
