રાજકોટ
આમ આદમી પાર્ટીના યુવાનેતા પ્રવીણ રામ અને નિખીલ સવાણી ખોડલધામના ચેરમેન નરેશ પટેલની શુભેચ્છા મુલાકાતે રાજકોટ આવી પહોંચ્યા હતા. આપના નેતાઓ અને નરેશ પટેલ વચ્ચે એક કલાક પટેલ બ્રાસમાં મુલાકાત યોજાઈ હતી. મુલાકાત બાદ પ્રવીણ રામે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારી વચ્ચે માત્ર શુભેચ્છા મુલાકાત થઈ હતી અને સમાજ સેવાની વાત થઈ હતી. પાર્ટીમાંથી જતા રહ્યા તેઓએ અત્યાર સુધી સમય આપ્યો એ પણ ખૂબ જ સારી વાત છે, નરેશ પટેલ અમારી પાર્ટીમાં જાેડાઈ તો અમારા માટે ગર્વની વાત કહેવાય. વડીલ કહી શકાય એવા નરેશ પટેલ સાથે આજે શુભેચ્છા મુલાકાત કરી હતી. આમ તો ઘણીવાર વારંવાર મુલાકાત થતી હોય છે. રાજકોટથી નીકળવાનું થતા તેમના ખબર-અંતર પૂછવા અને શુભેચ્છા મુલાકાત કરવા આવ્યા હતા. આ મુલાકાત રાજકીય ચર્ચાને લઈને નહોતી. હું આમ આદમી પાર્ટીમાં નહોતો ત્યારે પણ મળતો હતો. ગુજરાતમાં બેરોજગારીનો મુદ્દો મોટો છે અને પેપર ફૂટે છે. આ અંગે આજે નરેશ પટેલ સાથે વાત થઈ નથી. કોઈ પાર્ટી ક્યારેય તૂટતી નથી, પાર્ટી વિચારધારાથી બનેલી હોય છે. પાર્ટીના સારા-ખરાબ સમય હોય, અમારી પાર્ટી તો શરૂઆતથી જ સંઘર્ષ કરે છે. સારા ચહેરાઓ આવશે તો અમને ખૂબ ગમશે. નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જાેડાશે તેવું તમને લાગે છે તેવા મીડિયાના સવાલના જવાબમાં પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આજે એ બાબતની ચર્ચા થઈ હોય તો આપણે એનું તારણ કાઢી શકીએ પરંતુ અમે તો એવું જ ઇચ્છીએ છીએ કે ગુજરાતના સારા વ્યક્તિઓ આમ આદમી પાર્ટીમાં આવે. પરંતુ નરેશ પટેલ સાથે મુલાકાત કરી ત્યારે તેના હાવભાવ પરથી મને કોઈ રાજકીય વાત દેખાઈ નથી. નરેશ પટેલ અમારી પાર્ટીમાં આવે તો અમારા માટે ખૂબ ગર્વની વાત છે.
