અમરેલી
અમરેલીમાં વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જિલ્લામાં ૫ બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે આ બેઠકો કબજે કરવા માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેથી જિલ્લામાં ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી બેઠકોનો દોર શરૂ કર્યો છે. ભાજપ સંગઠન મજબુત બનાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા તેમજ તાલુકા મથકના મંડળ દ્વારા સંગઠનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. કાર્યકરો કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છે અને શું કામગીરી કરવી જાેઈએ તેના માટે હોમવર્ક ચકાસણી શરૂ કરી દેવાઈ છે. રાજુલા તાલુકા અને શહેર ભાજપની કારોબારી બેઠક મળી હતી. જેમા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, સાંસદ નારણ કાછડીયા અને જિલ્લા ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ અને સ્થાનિક તમામ હોદેદ્દારો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ સંગઠન દ્વારા ગામડા અને શહેરના છેવાડાના વિસ્તાર સુધી પહોંચવાની કામગીરી કરી શકાય તે માટે બેઠકો યોજવામાં આવી રહી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના કાર્યકરો અને હોદેદ્દારોએ સંગઠન મારફતે કામગીરી થઈ શકે તે માટે બેઠકનો ધમધમાટ અત્યારથી શરૂ કરી દીધો છે. આવતા દિવસોમાં ગમે તે ઘડીએ ચૂંટણી આવે તો સંગઠન સારી રીતે કામગીરી કરી શકે તે માટેની સૂચના આપી દેવામાં આવી છે.


