Gujarat

મુખ્યમંત્રીએ સિગ્નલ સ્કૂલ બસોને ફ્લેગ ઓફ કરાવ્યું

અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા શાળાએ નહીં જતા અને રસ્તા ઉપર ભીખ માંગતા તથા ઘર વિહોણા બાળકોને શિક્ષણ આપવા માટે સિગ્નલ શાળાઓ શરૂ કરવા માટે ૩૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી હતી. સ્કૂલ બોર્ડ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવા બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં વિવિધ સિગ્નલ પર ૧૩૯ ભીખ માંગતા બાળકોને સિગ્નલ સ્કૂલ દ્વારા શિક્ષણ આપવા નક્કી કરવામાં આવ્યું હતું. સિગ્નલ સ્કૂલો માટે એએમટીએસની જૂની બસોને મોડિફાઇડ કરી અદ્યતન કલાસરૂમ બનાવી હરતી ફરતી સ્કૂલો બનાવવામાં આવી છે. આ સિગ્નલ સ્કૂલો જે તે સિગ્નલ અથવા નક્કી કરેલા ચાર રસ્તાના જંકશન ખાતે ઉભી રાખી બાળકોને ભણાવવામાં આવશે.શહેરના રસ્તાઓ પર ભીખ માંગતા અને ઘર વિહોણા બાળકો માટે “ભિક્ષા નહીં શિક્ષા” પ્રોજેકટની આજથી શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને સુપ્રિમ કોર્ટ જજ એમ.આર શાહ અને ભાજપના નેતાઓએ સિગ્નલ સ્કૂલ બસોને ફ્લેગ ઓફ કરાવ્યુ હતું. મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવ્યા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી સિગ્નલ સ્કૂલ બસમાં જઈ અને બાળકોને કઈ કઈ સુવિધાઓ આપવામાં આવશે અને કેવી રીતે અભ્યાસ કરશે તેની પણ માહિતી મેળવી હતી. રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ સિગ્નલ સ્કૂલો ચલાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટમાંથી રૂ. ૩૫ કરોડ ફાળવી અને ૧૦ સિગ્નલ સ્કૂલ બસો શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં કુલ ૧૩૯ બાળકોને સ્કૂલના કલાસરૂમમા જ બેસીને અદ્યતન સુવિધાઓ સાથે અભ્યાસ કરાવવામાં આવશે. બસમાં કેવી સુવિધાઓ અને કેવી રીતે બાળકોને અભ્યાસ કરાવવામાં આવશે. શહેરના અલગ અલગ ચાર રસ્તા પરના સિગ્નલ પરથી બાળકોને સિગ્નલ સ્કૂલ મારફતે શિક્ષણ આપવામાં માટે બસમાં બેસાડવામાં આવશે. એક નક્કી કરેલી જગ્યા પર બસ ઉભી રાખી તેઓને અભ્યાસ કરાવવામાં આવશે. ચાર કલાક શિક્ષણ આપવામાં આવશે. તૈયાર કરવામા આવેલી આ સિગ્નલ સ્કૂલ બસમાં તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે. બસની અંદર બ્લેકબોર્ડ, શિક્ષક માટે ટેબલ અને ખુરશી, એલસીડી ટીવી, વાઇફાઇ, સીસીટીવી, પીવાનું પાણી, પડદા, મીની પંખા, મનોરંજનના સાધનો, બારાખડી અને ૧થી ૧૦ના ગુજરાતી ભાષાના પોસ્ટરો સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. નાસ્તો અને મધ્યાહન ભોજન પણ આપવામાં આવશે. ખાનગી સ્કૂલના ક્લાસરૂમમાં બેસીને અભ્યાસ કરતા હોય તેવો કલાસરૂમ બસમાં તૈયાર કરવામાં આવ્યો છે. સિગ્નલ સ્કૂલ ચલાવવા માટે સ્કૂલ બોર્ડ દ્વારા વિશેષ શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *