કિવ
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધનો આજે ૧૩મો દિવસ છે. યુક્રેનના પ્રથમ મહિલા એટલે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના પત્ની ઓલેના ઝેલેન્સ્કાએ મંગળવારે ક્રેમલિન તરફથી બાળકો સહિત અન્ય નાગરિકોની સામૂહિક હત્યાની નિંદા કરી છે. યુદ્ધમાં નાગરિકો પર થઈ રહેલા હુમલાને લઈને તેમણે વિશ્વના મીડિયાને ભાવુક પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે રશિયા તરફથી યુક્રેન પર કરવામાં આવેલા હુમલા પર વિશ્વાસ કરવો અશક્ય હતો. પ્રથમ મહિલાએ લખ્યું- ૨૪ ફેબ્રુઆરીએ અમે બધા રશિયાના હુમલાની સાથે જાગી ગયા. ટેન્કોએ યુક્રેનની સરહદને પાર કરી હતી. તેના વિમાનોએ અમારા હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. અમારા શહેરો મિસાઇલોથી ઘેરાય ગયા હતા. તેમણે કહ્યું કે, રશિયા તેને વિશેષ અભિયાન કહે છે, જ્યારે હકીકતમાં આ યુક્રેની નાગરિકોની હત્યા છે. યુક્રેનની પ્રથમ મહિલા ઓલેનાએ પોતાના પત્રમાં બાળકોના મોતને સૌથી ભયાનક અને વિનાશકારી ગણાવ્યા છે. તેમણે પત્રમાં લખ્યું- આઠ વર્ષની એલિસ, ઓખતિરકાના રસ્તા પર મોતને ભેટી, જ્યારે તેના દાદાએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે કીવની પોલીના પોતાના માતા-પિતાની સાથે ગોળીબારીમાં મૃત્યુ પામી હતી. તેમણે આગળ લખ્યું- ૧૪ વર્ષની આર્સેનીને માથામાં ઈજા થઈ હતી અને તેનું મોત પણ થઈ ગયું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની પત્નીએ આગળ લખ્યું- રશિયા કહે છે કે તે નાગરિકો વિરુદ્ધ યુદ્ધ કરતું નથી, હું તે નાગરિકોની હ્યામાં પહેલા તે માર્યા ગયેલા બાળકોના નામ બોલું છું. પ્રથમ મહિલાએ પોતાના પત્રને ‘યૂક્રેનથી પૂરાવો’ નામ આપ્યું છે. તેમણે આ પત્રમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર નાગરિકોના નરસંહારનો આરોપ લગાવ્યો છે. તેમાં પ્રથમ મહિલાએ કહ્યું કે, યુક્રેનના લોકો ક્યારેય હાર નહીં માને, હથિયાર નહીં મુકે. પ્રથમ મહિલાએ પત્રમાં નાગરિકોની પીડાનો ઉલ્લેખ કર્યો છે કારણ કે રશિયાના હુમલામાં અનેક લોકો ઘરવિહોણા થઈ ગયા છે. તો અનેક લોકોએ યુક્રેન છોડીને બીજા દેશમાં શરણ લીધી છે.
