સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિ સભ્યોએ લોકશાળા ખડસલીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનો એન. એસ. એસ શિબિર ખોડિયાણા મુકામે યોજાયેલાં કેમ્પની શુભેચ્છા મુલાકાત લીધી આ એન. એસ. એસ. કેમ્પની વિવિધ પ્રવૃત્તિઓથી વાકેફ થયાં અને આ અંગે યોજાયેલ ચિંતન સભામાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળે ગ્રાહક સુરક્ષા સંબંધિત માહિતીથી પણ આ શિબિરાર્થીઓને ખૂબ જ વિગતવાર માહિતી આપી.. આ તકે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઇ હીરાણી, ડો. રવીભાઈ મહેતા અને ભાવેશભાઈએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની આ પ્રવૃત્તિ બિરદાવી હતી. સાથે સાથે તેઓએ જીવન દર્શનના વિવિધ પાસાઓ વિશે પણ વિશદ છણાવટ કરી હતી. આ ચિંતન શિબિરમાં આ સંસ્થાની બાલિકાઓએ તિલક ચોખા ચાંદલો કરી ઉપસ્થિત તમામ મહેમાનોનું સૂતરની આંટી પહેરાવી ભાવભર્યું સ્વાગત કર્યું હતું. અહીંની તમામ પ્રવૃતિઓ ઘણી પ્રેરણાદાયી હતી. સવારે વહેલા સાડા ચારથી દૈનિક રોજિંદી દિનચર્યાની શરૂઆત એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ખડસલી લોકશાળાનાં આદર્શ શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવાભાઈનાં સીધા માર્ગદર્શન હેઠળ થતી જોવા મળી હતી. આ તકે દેશી બાજરીના રોટલા અને રીંગણાના ઓળા સાથે છાશ દુધનું રાત્રિભોજન (વાળુ) અને એ પણ શિબિરાર્થીઓએ જાતે રાંધીને તૈયાર કરેલું સંપૂર્ણ ઓર્ગેનિક ખાણું ખાવાનો રસાસ્વાદ જ કંઈક ઓર હતો. આ જીવનજરૂરિયાતનું શિક્ષણ આવા સુંદર શિબીરના આયોજન દ્વારા પણ શીખી શકાય એ વાત પણ આ શિબિરાર્થીઓની દૈનિક જીવન ચર્યા દ્વારા સુપેરે સમજી શકાય છે. અને એન.એસ.એસ. એ માત્ર ગામડામાં જઈને સાફસફાઈનો ફોટો સેશન સુધી સિમિત નથી રહેતું પણ ખરાં અર્થમાં અહીં ગામડાનો રસાસ્વાદ અને પ્રાકૃતિક સૌંદર્યની એ અદ્ભૂત અનુભૂતિ સાચા અર્થમાં ગામડાને જીવીને થતું હોય તેવો અહેસાસ થયા વગર રહેતી નથી. આ તકે ખડસલી લોકશાળાના એ આદર્શ શિક્ષક અને એન.એસ.એસ. શિબીરના પ્રોગ્રામ ઓફિસર ગોવાભાઈએ જણાવ્યું કે જીવનનો ખરો અર્થ સમજવો હોય તો પ્રકૃતિ અને લોકજીવનનું હાર્દ સમજવા માટે પણ દરેક વ્યક્તિએ સંવેદનશીલ અને સરળ બનવું પડે અને ગ્રામ્ય સંસ્કૃતિ અને લોકજીવનની મુલાકાત અને અભ્યાસ કરવો પડે. આ એન.એસ.એસ.કેમ્પમાં શિબિરારથીંઓએ હનુમાનગાળાની પણ મુલાકાત લીધી હતી. ડુંગરાઓ અને કંદરાઓ ખૂંદવાની મજા જ કંઇ ઓર હોય છે. આ શિબીર દરમિયાન વિવિધ ક્ષેત્રોના વક્તાઓ તથા મેડિકલ કેમ્પ, સફાઈ ઝુંબેશ, સાંસ્કૃતિક કાર્યક્રમો કરી સમગ્ર ખોડિયાણાને જાણે વૃંદાવનનું સ્વરૂપ આપ્યું હોય તેવું સુમધુર વાતાવરણ સર્જાતું જોવા મળેલ. આમ ખૂબ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં આ શિબિરાર્થીઓએ દસ દિવસ અહીં ખોડિયાણા જેવા પ્રકૃતિ સભર વન્ય સંસ્કૃતિની વિભાવના સાથે વિતાવી આવતીકાલે રવિવારે આ કેમ્પનુ સમાપન થશે. પરંતુ એ સ્મૃતિને વાગોળવાનો પણ કાયમી ધોરણે એક અણમોલ અવસર મળ્યો. સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના તમામ પ્રતિનિધિઓ સંસ્થાની આવી સુંદર પ્રવૃત્તિથી ખૂબ જ પ્રભાવિત થયા હતા..


