બ્રિટેન
બ્રિટેનના એક અહેવાલ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે મધ્ય લંડન અને દક્ષિણપૂર્વ ઈંગ્લેન્ડમાં ઉંદરોનો આતંક સૌથી વધુ છે. આ વિસ્તારોમાં ઉંદરોની વસ્તીમાં વાર્ષિક ધોરણે ૯૧.૪ ટકાનો વધારો થયો છે. બ્રિટનના નોર્થ વેસ્ટ, નોર્થ વેલ્સ અને મિડલેન્ડ્સમાં ઉંદરોની વસ્તીમાં ૮૬.૪ ટકાનો વધારો થયો છે. તાજેતરમાં, બ્રિટનના શહેરોમાં ઉંદરોનો આતંક જાેવા મળ્યો છે, કારણ કે તેમની સંખ્યા વધી છે. કોવિડ-૧૯ને કારણે લોકોની અવરજવર બંધ થઈ ગઈ અને તેમની સંખ્યા વધી ગઈ. કોવિડ દરમિયાન ઉંદરો ર્નિભયપણે શેરીઓમાં ફરવા લાગ્યા. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, ઉંદરો શહેરમાં ફરતા ડરતા હતા, કારણ કે ત્યાં કાર અને લોકોની અવરજવર રહેતી હતી. પરંતુ યુકે સરકાર દ્વારા કોરોનાને અંકુશમાં લેવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને નિયંત્રણોને કારણે તેમને ફરવા માટે જગ્યા મળી ગઈ અને તેમની વસ્તી વધી. રેન્ટોકિલ પેસ્ટ કંટ્રોલના પૌલ બ્લેકહર્સ્ટે પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું કે, “છેલ્લા બે વર્ષમાં લોકડાઉન અને રેસ્ટોરાં, દુકાનો અને મુસાફરીના સ્થળો પર પ્રતિબંધોને કારણે ઉંદરોની વર્તણૂક બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે લોકડાઉન અને પ્રતિબંધોને કારણે બ્રિટનના નગરો અને શહેરોના કેટલાક ભાગોમાં માનવ અવરજવર અને અવાજનો અભાવ હતો. તેથી ઉંદરોની હિલચાલ વધી. ડેઈલી સ્ટારે બ્લેકહર્સ્ટને ટાંકીને જણાવ્યું હતું કે, “નગરો અને શહેરોના કેટલાક વિસ્તારોમાં લોકોની અવરજવરના અભાવે ઉંદરોને વધુ આત્મવિશ્વાસ આપ્યો હતો.” પેસ્ટ કંટ્રોલ નિષ્ણાંતે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જ્યારે નિયમિત ધંધાકીય પ્રવૃત્તિઓ ધીમે ધીમે સામાન્ય થવા લાગી ત્યારે વધુ લોકો બહાર આવવા લાગ્યા. જેના કારણે ખોરાકનો બગાડ પણ વધ્યો છે. આ કારણે, ઉંદરો અને અન્ય પ્રાણીઓની સંખ્યા વધી ગઈ, કારણ કે તેઓને હવે સરળતાથી ખોરાક મળી રહ્યો હતો. તેમણે ચેતવણી આપી કે, ‘આ સમય ઓફિસો, રેસ્ટોરન્ટ્સ, બાર અને કાફે માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેમને હવે ધ્યાન આપવાની જરૂર છે કે તેમને ઉંદરોના કારણે નુકસાન સહન કરવું પડી શકે છે. આવી સ્થિતિમાં, તેમના નાણાકીય જાેખમને ઘટાડવા માટે, તેઓએ ઉંદરોને નિયંત્રિત કરવા પડશે. તેમનાથી ચેપ લાગવાનો પણ ખતરો છે.
