ન્યુદિલ્હી
સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કના પહેલાં દિવસે લોકસભામાં મોદી-મોદીના નારા લાગ્યા હતા. સોમવારે સવારે ૧૧ વાગે લોકસભા કાર્યવાહી શરૂ થઈ હતી. પીએમ મોદીએ ગૃહમાં એન્ટ્રી લેતા જ ભાજપના સાંસદોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. અંદાજે ત્રણથી ચાર મીનિટ સુધી ભાજપ સાંસદોએ જીતની ઉજવણી કરી હતી અને ટેબલ ખખડાવ્યા હતા. આ દરમિયાન ગૃહમાં અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત કેબિનેટના ઘણાં મંત્રીઓ હાજર હતા. નાણામંત્રી ર્નિમલા સીતારમણ આજે સંસદમાં ૨૦૨૨-૨૩ માટે કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ-કાશ્મીરનું બજેટ રજૂ કરશે. ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ રાજ્યમાંથી અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ સમાપ્ત થયા પછી આ ત્રીજુ બજેટ છે. વિદેશ મંત્રી એસ જયશંકર યુક્રેનની હાલની સ્થિતિની સાથે સાથે ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોની માહિતી મંગળવારે સંસદમાં આપશે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, કોંગ્રેસ ગૃહની ચર્ચામાં ભાગ લેશે. અમે જનતાથી સંબંધિત દરેક મહત્વના મુદ્દાઓ ઉઠાવીશું. ખાસકરીને જે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા હતા. તેમની સમસ્યાઓ કેવી રીતે દૂર કરી શકાય તે વિશે ચર્ચા કરવામાં આવશે. ૧૦ માર્ચે પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા છે. આ રાજ્ય છે- ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુર. તેમાં પંજાબ સિવાય દરેક ચાર રાજ્યોમાં ભાજપે જીત મેળવી છે. આ જીત પછી ગુરુવારે સાંજે દિલ્હી ભાજપ કાર્યાલયમાં ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકરોને સંબોધન પણ કર્યું હતું. તે દરમિયાન પણ કાર્યકરોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.