કાશી
ભારતમાં હોળીનો તહેવાર ખુબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. જેમાં કેટલીક ખાસ જગ્યાઓની હોળી તો જગ પ્રસિદ્ધ છે. જેમ કે કૃષ્ણ નગરી કહેવાતી મથુરા, વૃંદાવનની હોળી જાેવા માટે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે. આ શહેરોમાં હોળીના ઘણા દિવસ પહેલેથી હોળીની ઉજવણી શરૂ થઈ જાય છે. કાશી પણ આવા જ શહેરોમાં સામેલ છે. જ્યાં હોળીનો ઉત્સવ રંગભરી એકાદશીથી શરૂ થઈ જાય છે. આ દિવસે શિવ ભક્ત ભોલેનાથ સાથે હોળી ખેલવામાં આવે છે, પરંતુ આ હોળી એકદમ અલગ હોય છે. કાશીના મહાસ્મશાનમાં રંગભરી એકાદશીના દિવસે રમાયેલી હોળી અન્ય હોળી ઉજવણી કરતા અલગ હોય છે. કારણ કે અહીં રંગોથી નહીં પણ ચિતાની રાખથી હોળી રમવામાં આવે છે. મોક્ષદાયિની કાશી નગરીના મહાશ્મશાન હરિશ્ચંદ્ર ઘાટ પર ચોવીસ કલાક ચિતાઓ બળતી રહે છે. કહેવાય છે કે અહીં ક્યારેય ચિતાની આગ ઠંડી થતી નથી. આખુ વર્ષ અહીં ગમમાં ડૂબેલા લોકો પોતાના પ્રિયજનોને અંતિમ વિદાય આપવા માટે આવે છે પરંતુ વર્ષમાં એકમાત્ર હોળીના દિવસે એવું હોય છે કે અહીં ખુશી જાેવા મળે છે. રંગભરી એકાદશીના દિવસે આ મહાસ્મશાનના ઘાટ પર ચિતાની રાખથી હોળી ખેલાય છે. આ વર્ષે પણ ૧૪ માર્ચના રોજ વારાણસીમાં રંગભરી એકાદશીના રોજ સ્મશાન ઘાટ પર રંગોની સાથે ચિતાની ભસ્મથી હોળી ખેલાઈ. આ દરમિયાન ડમરુ, ઘંટ, ઘડિયાળ અને મૃદંગ, સાઉન્ડ સિસ્ટમથી નીકળતો અવાજ જાેરશોર કરતો રહ્યો. કહે છે કે ચિતાની રાખથી હોળી ખેલવાની પરંપરા લગભગ ૩૫૦ વર્ષ જૂની છે. તેની પાછળની કહાની કઈક એવી છે કે ભગવાન વિશ્વનાથ વિવાહ બાદ માતા પાર્વતીનું ગૌનું કરાવીને કાશી પહોંચ્યા હતા. ત્યારે પોતાના ગણોની સાથે હોળી રમ્યા હતા. પરંતુ તેઓ સ્મશાન પર વસતા ભૂત, પ્રેત, પિશાચ અને અઘોરીઓ સાથે હોળી રમી શક્યા નહીં. ત્યારે તેમણે રંગભરી એકાદશીના દિવસે તેમની સાથે ચિતાની ભસ્મથી હોળી ખેલી હતી. આજે પણ અહીં આ પરંપરા ચાલુ છે અને તેની શરૂઆત હરિશ્ચંદ્ર ઘાટ પર મહાસ્મશાનનાથની આરતીથી થાય છે. તેનું આયોજન અહીંના ડોમ રાજાનો પરિવાર કરે છે.