Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીએસએફ મહિલા બાઈકર્સને પ્રસ્થાન કરાવ્યું

ગાંધીનગર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીએસએફની જાંબાઝ મહિલા કર્મીઓની ‘સીમા ભવાની શૌર્ય એક્સપીડિશન’ એમ્પાવરમેન્ટ રાઈડનું ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે દિલ્હીથી ૫૨૮૦ કિ.મીનું અંતર કાપી વિવિધ રાજ્યોમાં થઇને ૩૫ જેટલી બાઇકર્સ આગામી ૩૦મી માર્ચે તામિલનાડુના કન્યાકુમારી પહોંચવાની છે. બીએસએફની આ મહિલા બાઇકર્સની ટીમ ગુજરાત બીએસએફ હેડક્વાર્ટર આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને સફળતાની શુભેચ્છાઓ પાઠવી આગળના પ્રયાણ માટે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ઉજવાઇ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવના અવસરે દેશની એકતા-અખંડિતતાને નવું જાેમ આપતી આ મહિલા બાઇકર્સને નારીશક્તિ, સામર્થ્યનું આગવું પ્રતિક ગણાવી હતી. મુખ્યમંત્રીએ દેશમાં રક્ષા ક્ષેત્રે તથા સુરક્ષા બળોમાં મહિલાશક્તિની વધતી સહભાગીતાની સફળતાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રોત્સાહન અને માર્ગદર્શનને આપ્યો હતો. છેલ્લા ૭ વર્ષમાં દેશના પોલીસ દળ અને કેન્દ્રીય સુરક્ષા બળમાં મહિલાઓની ભાગીદારી બમણી થઇ છે. તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં ૧ લાખ ૫ હજારની સંખ્યા હતી. તે ૨૦૨૦માં ૨ લાખ ૧૫ હજાર થઇ ગઇ છે. ભૂપેન્દ્ર પટેલે સરહદના સંત્રી તરીકે ફરજરત બોર્ડર સિક્યુરિટી ફોર્સની આ મહિલા બાઇકર્સ ૩૫૦ સી.સી. ની રોયલ એનફીલ્ડ મોટર સાયકલ સવાર તરીકે પોતાના અપ્રતિમ સાહસ અને શૌર્ય માટે પ્રખ્યાત છે તે માટે પણ અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા તથા બી.એસ.એફના ઇન્સપેકટર જનરલ જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમજ બી.એસ.એફના અફસરો-જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *