સુરેન્દ્રનગર
ઝાલાવાડના ઐતિહાસિક ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર હોળી પ્રાગટ્ય બાદ જ ચોટીલા શહેર તથા આસપાસના ગામોમાં હોળી પ્રગટાવવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે. ત્યારે ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા તા. ૧૭મી માર્ચના રોજ હોલિકા દહનનું આયોજન કરાયું છે. અને તા. ૧૮મી માર્ચે ભક્તો ફાગણી પૂનમે માંના દર્શન કરી શકશે. ઉલ્લેખનીય છે કે ભક્તોને આ વર્ષો જૂની પરંપરા વિશે માહિતી મલે તે હતુથી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા એક યાદી જાહેર કરાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા માં ચામુંડાનંર ધામ ચોટીલા એ હજારો શ્રદ્ધાળુઓ અને ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. દર રવિવારે અને પૂનમે અહીં માનવ મહેરામણ માં ચામુંડાના ચરણોમાં શિશ ઝુકાવવા ઉમટી પડે છે. ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર દર વર્ષે હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવી હોળીકા દહનનું આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચોટીલા ડુંગર પર હોળી પ્રાગટ્ય થાય ત્યારબાદ જ ચોટીલા શહેર તથા આસપાસના ગામો અને પાંચાળ પંથકમાં હોળીકા દહન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ભક્તોને જાણકારી મળે એ માટે ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં તા. ૧૭મી માર્ચ અને ગુરૂવારના રોજ હોલિકા દહનનું આયોજન કરાયું છે તેમ જણાવાયું હતું. ડુંગર ઉપર સ્વ. મહંત ગુલાબદાસગીરી બાપુ સંધ્યા આરતીના સમયે હોળી પ્રગટાવતા હતા. આજે તેમની પાંચમી પેઢી દ્વારા ત્યાં હોળી પ્રગટાવાય છે. જ્યાં હોળી પ્રગટ્યા બાદ જ ચોટીલા શહેર અને ચોટીલાની આસપાસનાં ગામડામાં હોળી પ્રગટાવાય છે એમ યાદીમાં વધુમાં જણાવાયું હતું.


