નવીદિલ્હી
ફિલ્મ ધ કાશ્મીર ફાઈલને કરમુક્ત બનાવવાની ભાજપની માંગ પર મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. મંગળવારે ભાજપના ૯૨ ધારાસભ્યોએ સહી કરીને સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં કાશ્મીર ફાઈલ્સને ટેક્સ ફ્રી બનાવવાની માંગ કરવામાં આવી હતી. બુધવારે (૧૬ માર્ચ) મહારાષ્ટ્ર વિધાનસભામાં નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે આ માંગને ફગાવી દીધી હતી. અજિત પવારે કહ્યું કે શા માટે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ મહારાષ્ટ્રમાં જ ટેક્સ ફ્રી હોવી જાેઈએ. આ ફિલ્મ કાશ્મીરથી કન્યાકુમારી સુધી કરમુક્ત હોવી જાેઈએ. જાે કેન્દ્રની મોદી સરકાર ઈચ્છે તો તે કરી શકે છે. અજિત પવારે વધુમાં કહ્યું કે જે જીએસટી દ્વારા ટેક્સ કલેક્શન થાય છે. તેનો એક ભાગ એસજીએસટીના રૂપમાં રાજ્ય સરકારને મળે છે અને બીજાે ભાગ સીજીએસટીના રૂપમાં કેન્દ્ર સરકારને જાય છે. જાે કેન્દ્રની મોદી સરકાર ઈચ્છે તો સીજીએસટીમાં છૂટ આપીને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને દેશભરમાં ટેક્સ ફ્રી બનાવી શકે છે. પરંતુ વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે કહ્યું કે મહા વિકાસ અઘાડી સરકાર કોંગ્રેસના દબાણમાં કામ કરી રહી છે. એટલા માટે કાશ્મીર ફાઈલને કરમુક્ત બનાવી રહી નથી. બાળાસાહેબ ઠાકરેની ભૂમિકા અને ઉદ્ધવ ઠાકરેના વ્યવહારમાં ઘણો ફરક છે. જાે દેશનું સત્ય બહાર આવી રહ્યું છે તો તેઓને મરચા કેમ લાગી રહ્યા છે ? વાસ્તવમાં ઠાકરે સરકાર કોંગ્રેસના દબાણમાં કામ કરી રહી છે. આ પહેલા બુધવારે સવારે દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું હતું કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર કોઈ વિવાદ નથી. પરંતુ જે રીતે ભાજપ દ્વારા લોકોને બોલાવીને સિનેમાઘરોમાં ફિલ્મ બતાવવામાં આવી રહી છે. પીએમ મોદી પોતે તેના પ્રચારક બની ગયા છે, આ રાજકીય એજન્ડા સામે વાંધો છે. જ્યારે બાકીના લોકો આતંકીઓના ડરથી પોતાના ઘરોમાં બેસી ગયા હતા, ત્યારે બાળાસાહેબ ઠાકરે દેશમાં એકમાત્ર એવા નેતા હતા જેમણે કાશ્મીરી પંડિતોનું દર્દ સમજ્યું અને તેમને એકે ૪૭ સોંપવાની માંગ કરી. તેમના બાળકોને મહારાષ્ટ્રમાં શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર સિવાય કાશ્મીરી પંડિતો માટે અન્ય રાજ્યએ શું કર્યું છે? આ અંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, સંજય રાઉત શું સત્ય જાણે છે? તેઓ ક્યારે કાશ્મીર ગયા? એ જમાનો હતો બાળાસાહેબ ઠાકરેની શિવસેનાનો અને આ એક અલગ જ શિવસેનાનો યુગ છે. અરે ક્યારેક બેસીને વિચારો, તમે શું હતા અને શું બની ગયા છો અત્યારે.
