Delhi

દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ૧૦ અબજ ડોલરનો ઘટાડો થયો ઃ આરબીઆઈ

નવીદિલ્હી
૧૧ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર ૯.૬૪૬ અબજ ડોલર ઘટીને ૬૨૨.૨૭૫ અબજ ડોલર થયું હતું. આ માહિતી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આપી હતી. અગાઉ ૪ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર ૩૯.૪ કરોડ ડોલર વધીને ૬૩૧.૯૨ અબજ ડોલર પર પહોંચી ગયો હતો. અગાઉ ૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર ૬૪૨.૪૫૩ અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો.શુક્રવારે જાહેર કરાયેલ આરબીઆઈના સાપ્તાહિક ડેટા અનુસાર વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો વિદેશી ચલણ અસ્કયામતોમાં ઘટાડાને કારણે થયો હતો જે કુલ વિદેશી વિનિમય અનામતનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. ૧૧મી ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં એફસીએલ ૧૧.૧૦૮ અબજ ડોલર ઘટીને ૫૫૪.૩૫૯ અબજ ડોલર થયું હતું. ડૉલરમાં વ્યક્ત કરાયેલ વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલી વિદેશી ચલણ અસ્કયામતોમાં મોંઘવારીની અસરો અથવા યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીના અવમૂલ્યનનો સમાવેશ થાય છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાનો ભંડાર ૧.૫૨૨ અબજ ડોલર વધીને ૪૩.૮૪૨ અબજ ડોલર થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્‌સ ૫. ૫૩ કરોડ ડોલર ઘટીને ૧૮.૯૨૮ અબજ ડોલર થઈ ગયા છે. દેશનું ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અનામત ૭૦ લાખ ડોલર ઘટીને ૫.૧૪૬ અબજ ડોલર થયું છે. ભારત તેની જરૂરિયાતના ૮૫% તેલની આયાત કરે છે. આ અઠવાડિયે ક્રૂડ ઓઈલ ૧૦૮ ડૉલર પર બંધ થયું છે. આ કિસ્સામાં વિદેશી વિનિમય અનામત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય જવાબદારીઓને પહોંચી વળવા માટે ડોલર અનામત જરૂરી છે. આયાત માટે ચૂકવણી આ અનામતમાંથી કરવામાં આવે છે. જાે વિદેશી મુદ્રા ભંડાર મજબૂત હશે તો વિદેશી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત રહેશે. આ એફડીઆઈને મજબૂત રાખે છે. ભારતીય અર્થતંત્ર માટે એફડીઆઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય રિઝર્વ બેંક પણ ચલણને મજબૂત કરવા માટે ડોલરના અનામતનો ઉપયોગ કરે છે. જાે રૂપિયામાં ઘટાડો થાય છે તો તે ડોલરના ભંડારને વેચે છે. જે રૂપિયાને મજબૂત બનાવે છે. ડોલર સામે રૂપિયો સતત નબળો પડતો જાય તો ચિંતા વધે છે. આ સપ્તાહે અમેરિકી ડોલર સામે રૂપિયો ૪૧ પૈસા વધીને ૭૫.૮૦ પર બંધ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *