Gujarat

રૂા. ૭૫૧ લાખના ખર્ચે  છોટાઉદેપુર જિલ્લામાં જળસંચયના કામો હાથ ધરવામાં આવશે 

મંત્રી: નિમિષાબેન સુથાર
પાનવડ ખાતેથી છોટાઉદેપુર જિલ્લામાં
સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાયો
છોટાઉદેપુર
 રાજયમાં જળ સંચયનો વ્યાપ વધે એ માટે સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજયવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ રૂા. ૭૫૧ લાખના ખર્ચે ૨૯૫ જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે એમ રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું.
 કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી નિમિષાબેને જણાવ્યું હતું કે, પાણી એ પારસમણી સમાન છે, પાણીના ટીપે ટીપાનો ઉપયોગ એ આપણી સંસ્કૃતિ છે એમ જણાવી તેમણે રાજય સરકારના જળ અભિયાન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય એ માટે જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હોવાનું ઉમેરી તેમણે સરકારના જુદા જુદા વિભાગો એકજૂટ થઇ કામગીરી કરે છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે નવી શિક્ષણ નિતિ અંતર્ગત રાજયમાં ધો. ૬ થી ૧૨માં ભણતા વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવામાં આવશે એમ જણાવી તેમણે જળ અભિયાન અંતર્ગત નવા તળાવોનું નવસર્જન, હયાત તળાવો ઉંડા કરવા, ચેકડેમોનું ડિસિલ્ટીંગ કરવામાં આવશે જેનાથી પાણીની સંગ્રહક્ષમતામાં વધારો થશે તથા ભૂગર્ભ જળસ્ત્રોત પણ ઉંચા આવશે તેમજ ખેડૂતોને સિંચાઇની સગવડ ઉપલબ્ધ થવાથી ખેતી અને ખેડૂત સમૃદ્ધ થશે એમ જણાવી તેમણે ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોવિડ-૧૯ની કાર્બોવેકસ રસી તમામ વાલીઓ અપાવે એવી તેમણે અપીલ કરી હતી.
 જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ મલકાબેન પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાજય સરકાર દ્વારા જળ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી કામગીરીનો વિગતે ચિતાર રજૂ કરી તેમણે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ અંતર્ગત કરવામાં આવનારી કામગીરીની વિગતે જાણકારી આપી હતી.
 સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીએ રાજય સરકાર દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરીની જાણકારી આપી નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે ૯૩ કરોડની યોજના, ગનિયાબારી થી સાંકડીબારીનનો રસ્તો બનાવવા માટે રૂા. ૧૪ કરોડ, હરખોડથી કુંડાનો રસ્તો બનાવવા માટે રૂા. ૧૪ કરોડ મંજુર કરવામાં આવ્યા હોવાનું જણાવી રાજય સરકાર છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં ઓરડાઓ બને એ માટે દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
 માજી સંસદીય સચિવ જયંતિભાઇ રાઠવાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાજય સરકારની વિકાસશીલ વિચારસરણીની સરાહના કરી રાજય સરકાર આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે ચિંતિત હોવાનું જણાવ્યું હતું.
 કાર્યક્રમના પ્રારંભમાં મંત્રી અને મહાનુભાવોએ શાસ્ત્રોકત વિધિવિધાનપૂર્વક પૂજાવિધિ કરી કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જળ અભિયાન અંગેની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
 કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કવાંટ તાલુકા વિકાસ અધિકારી પટેલે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આટોપી હતી.
 કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ,તાલુકા પંચાયત પ્રમુખ છાયાબેન રાઠવા,પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ટી.કે.ડામોર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ઉમેશભાઇ, જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ ઇન્દ્રભાઇ રાઠવા, સિંચાઇના કાર્યપાલક ઇજનેર અમીત મિશ્રા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1647691109281.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *