ગિરગઢડા
ભરત ગંગદેવ…
ગીર સોમનાથ જિલ્લામાં હર્ષ અને ઉલ્લાસભેર હોળીની ઉજવણી કરવામાં આવી. કોડીનારનાં દેદાની દેવળી ગામે હોલિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપરા યથાવત જોવા મળી.હોળીની જાળ જે દિશા તરફ જાય તેના પરથી અને હોળીની વચ્ચે રાખેલા કાચા ધાન્યના કુંભ પરથી આગામી ચોમાસાનો વરતારો પણ કાઢવામાં આવ્યો.
આ દ્રશ્યો છે ગીર સોમનાથનાં દેવળી ગામના.10 હજારની વસ્તી ધરાવતા દેવળી ગામમાં હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.અને ભવ્ય હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી મોડિ રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી દેવામાં આવે છે.અને તે અંગારા પર ગામના યુવાનો વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધા પૂર્વક ચાલે છે.વર્ષો જૂની આ પરંપરા દેદાની દેવળી ગામે આજે પણ જીવંત રાખવામાં આવી છે. જો કે આજ દીવસ સુધી કોઈ ને કોઈપણ પ્રકારે ઈજા પહોંચી નથી. હોળીનાં દિવસે આ વર્ષ કેવો વરસાદ પડશે તેનો વરતારો પણ કાઢવામાં આવે છે પવનની દિશા અને હોળીની વચ્ચે રાખવામાં આવેલા કાચા ધાન્યના કુંભને ખોલીને આ વરતારો ગામના વડીલો કાઢે છે.આ વખતે 16 આની વર્ષ હોવાનું માનવામાં આવે છે.
હોલિકા દહન બાદ એટલેકે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ દેતવા ( અંગારા ) ને કાઢી અમુક ફૂટ લંબાઇમાં પાથરી દેવામાં આવે છે. અને ત્યાર બાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે. ત્યાર બાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે.આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે, ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે.આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાઈ તેના પરથી આવનારા વર્ષનો વરતારો કરવામાં આવે છે.આ વખતે દેવળી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વરતારો કરવામાં આવ્યો છે કે, આગામી ચોમાસુ 16 આની રહેશે. એટલેકે પાક અને પાણીનું ચિત્ર સારું રહેશે.ગામ લોકોનાં કહેવા પ્રમાણે સદિઓથી આ પરંપરા ચાલતી આવી છે. અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે.ગામના 37 વડીલો અને 17 યુવાનો એમ કુલ 54 વ્યક્તિઓ આજે હોળીના અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા હતા.


