અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવતી બીઆરટીએસ બસમાં હાઉસ કીપિંગમાં છેલ્લા ૧૦ વર્ષથી માત્ર બે જ કંપનીઓને કોન્ટ્રાકટ આપવાને લઈ વિપક્ષે કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, કોર્પોરેશનના ભાજપના શાસકો અને કોન્ટ્રકટરોની સાંઠગાંઠથી બીઆરટીએસ માં છેલ્લા ૧૦ વર્ષથી નવા ટેન્ડર બહાર પાડવાની જગ્યાએ બે જ કંપનીને કોન્ટ્રકટ આપી દેવામાં આવે છે. બસ કે બસ સ્ટેન્ડની આસપાસ ક્યાંય સાફસફાઈ થયેલી જાેવા મળતી નથી છતાં દર વર્ષે ૨.૪૦ કરોડ જેટલી માતબર રકમ કંપનીઓને ચુકવવામાં આવે છે. જનમાર્ગ લિમિટેડ હસ્તક ચાલતી બીઆરટીએસ બસ તથા બસ સ્ટેન્ડની સાફસફાઈ સહિતની કામગીરી માટે હાઉસકિપિંગની શક્તિ સેનેટરી એન્ડ હેલ્થ તથા હેત ચીન્ટ નામની સંસ્થાને છેલ્લા ૧૦ વર્ષથી સતત એકતરફી કામગીરી આપવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૨થી હાઉસકીપિંગ કામગીરી માટે કોઇપણ જાતનું ટેન્ડર બહાર પાડ્યા વગર જનમાર્ગ લિમિટેડના અધિકારીઓએ આ એક-બે સંસ્થાઓને કામગીરી રાજકીય દબાણ હેઠળ આપી દેવાની કાર્યવાહી કરી છે. સાફસફાઇના નામે દર મહિને રૂ. ૨૦ લાખના હિસાબે વર્ષે રૂ. ૨.૪૦ કરોડ જેટલી માતબર રકમ આ બન્ને સંસ્થાને ચુકવવામાં આવે છે. નાગરિકોની ટેક્સની રકમમાંથી આટલી મોટી રકમનો ખર્ચ છેલ્લા ૧૦ વર્ષથી કરવામાં આવી રહ્યો છે તેમ છતાં બીઆરટીએસની બસ તેમજ બસ સ્ટેન્ડ પર કચરો અને ગંદકીનું પ્રમાણ ખુબ જાેવા મળી રહ્યું છે. બીઆરટીએસમાં સાફ સફાઇના કામમાં બે કંપનીઓના રાજને લઈ તેને દૂર કરી નવેસરથી ટેન્ડર બહાર પાડવું જાેઇએ તેમજ આ બે કંપનીઓને કયા કારણથી આ કામગીરી જનમાર્ગના અધિકારીઓ આપવાનો આગ્રહ રાખે છે તેની તપાસ થવી જાેઇએ તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરાઈ છે.
