ભુજ
કચ્છના પ્રવેશદ્વાર સુરજબારીથી માળિયાના હરિપર વચ્ચે એક જ કિલોમીટરના અંતરાલમાં અલગ અલગ ત્રણ વાહન અકસ્માત સર્જાયા હતા. જાે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. પરંતુ અકસ્માતના પગલે બંન્ને માર્ગની તરફ ત્રણ કલાક સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઝાકળ વર્ષાના કારણે આ અકસ્માત સર્જાયા હતા. અલબત્ત સર્જાયેલા ટ્રાફિકજામને સુરજબારી ટોલ ગેટના કર્મચારીઓ દ્વારા પૂર્વવત કરાવાયો હતો. સુરજબારી માળિયા વચ્ચેના માર્ગે અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી રહે છે. જ્યાં ફરી એક વખત માર્ગ અકસ્માતના કારણે ટ્રાફિક સર્જાતા બંન્ને તરફ વાહનોની લાંબી કતારો જાેવા મળી હોવાનું લોકોએ જણાવ્યું હતું. હરિપરના હનીફ મુલ્લાંએ આ અંગે જણાવ્યું હતું કે સુરજબારી સુધીના એક કિલોમીટરના અંતરમાં આજે અડધો કલાકના સમયમાં એક સ્થળે માટી ભરેલા ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો અન્ય સ્થળે ટેન્કર સ્લીપ થઈ જતા તે માર્ગ વચ્ચે ફસડાઈ પડ્યું હતું. ઉપરાંત અન્ય એક જીપકારનો પણ અકસ્માત થતાં આ ટ્રાફિકજામ સર્જાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.