સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં બરોબર શહેરની મધ્યમાં આવેલી ભાડાના મકાનમાં બેસતી હેડ પોસ્ટ ઓફિસ હવે જર્જરિત હાલતમાં જોવા મળે છે. જો કે પોસ્ટ વિભાગનુ એક નવું બિલ્ડિંગ પણ શહેરના હાથસણી રોડ પર લગબગ તૈયાર જ છે એમ કહી શકાય. પરંતુ આ તો પોસ્ટ વિભાગ એનું બધું પરફેક્ટ હોય એમ આમજનતા માનતી આવી છે. એટલે ટૂંક સમયમાં એક નવી બ્રાંચ પણ શરૂ થશે એવું પૂર્વાનુમાન તો છે.. અને સાંભળવા મળતી માહિતી મુજબ નજીકના વર્ષેમાં હજુ પણ એક અદ્યતન બિલ્ડિંગ નિર્માણ થવાની શક્યતાઓ તો સેવાય રહી છે પરંતુ હાલ મેઈન પોસ્ટ ઓફિસ ખૂબ જર્જરિત હાલતમાં હોય એનું હંગામી સ્થળાંતર ઈચ્છનીય છે. આ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટલ બેંકિંગ તથા પોસ્ટને લગતી અનેક કામગીરી આ પોસ્ટ ઓફિસ ખાતે થઈ રહી છે. ચોમાસામાં આ જર્જરિત બિલ્ડીંગનું રીનોવેશન થાય એ પણ ઈચ્છનીય છે. આ બાબતે અનેક વખત અખબારી માધ્યમો દ્વારા તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. સાવરકુંડલા શહેરને એક અદ્યતન પોસ્ટ ઓફિસની ઈમારતની સુવિધા ઉપલબ્ધ થાય તેવું આમજનત ઈચ્છે છે. બાકી થીંગડાં મારવાથી કાયમી ધોરણે સમસ્યાનું નિવારણ નહીં થાય તે પણ સર્વવિદિત છે.


