Maharashtra

મોંઘવારી મુદ્દે ૩૧ માર્ચે કોંગ્રેસ કરશે રાજ્યવ્યાપી આંદોલન

મહારાષ્ટ્ર
વધતી મોંઘવારી સામે કોંગ્રેસ ૩૧ માર્ચથી રાજ્યભરમાં આંદોલન શરૂ કરશે. આ માહિતી મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ આપી છે. આ માહિતી આપતાં તેમણે જણાવ્યું છે કે સામાન્ય જનતાને પરેશાન કરતી મોંઘવારી સામે અવાજ ઉઠાવતા કેન્દ્રની સૂતેલી ભાજપ સરકારને જગાડવા માટે ૩૧ માર્ચથી રાજ્યભરમાં ‘મોંઘવારી મુક્ત ભારત’ સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે મુંબઈના તિલક ભવનમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. આ કોન્ફરન્સમાં પૂર્વ મંત્રી અને રાજ્ય કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નસીમ ખાન, પૂર્વ મંત્રી અનીસ અહેમદ, લઘુમતી વિભાગના અધ્યક્ષ એમએમ શેખ હાજર રહ્યા હતા. આ પ્રસંગે નાના પટોલેએ કહ્યું હતું કે, ભાજપમાં ચૂંટણીમાં જનતાના ગુસ્સાનો સામનો કરવાની હિંમત નહોતી, તેથી જ ભાજપે ચૂંટણી સુધી ઈંધણના વધતા ભાવ રોકી રાખ્યા હતા. પરંતુ ચૂંટણી પુરી થતા જ લોકો પર મોંઘવારીનો બોજ નાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલ ૩.૨૦ રૂપિયા મોંઘુ થયું છે. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સીએનજી, પીએનજી ગેસ અને ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. ૧ એપ્રિલથી દવાઓના ભાવમાં પણ વધારો થવા જઈ રહ્યો છે. જનતા મોંઘવારીના મારમાં સપડાઈ રહી છે, પરંતુ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને પ્રજાની વેદના અને પીડાથી કોઈ લેવાદેવા નથી. નાના પટોલેએ કહ્યું, મોદી સરકારના ર્નિણયોનો કહેર લોકો પર તુટી રહ્યો છે. આથી કેન્દ્ર સરકાર જાગે તે જરૂરી છે. આથી કોંગ્રેસના તમામ કાર્યકરો ૩૧મી માર્ચે સવારે ૧૧ કલાકે આંદોલન કરશે. મોંઘવારી મુક્ત ભારતની માગ માટે ૨ એપ્રિલથી ૪ એપ્રિલ દરમિયાન જિલ્લા મથકોએ ધરણાં, દેખાવો અને આંદોલન થશે. ૭મી એપ્રિલે મુંબઈમાં રાજ્યના મુખ્યાલય ખાતે મોંઘવારી મુક્ત ભારતની માગ માટે ધરણાં, દેખાવો અને આંદોલન થશે. કોંગ્રેસના તમામ મંત્રીઓ, નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, પદાધિકારીઓ અને કાર્યકરો આ આંદોલનમાં ભાગ લેશે. સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારોની સમસ્યા અને સરકારની કામદાર વિરોધી નીતિઓ સામે ડાબેરી પક્ષોના ટ્રેડ યુનિયનો દ્વારા ૨૮ અને ૨૯ માર્ચે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે આ હડતાલને સમર્થન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *