સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ અને ચૂડા તાલુકામાં મરચાંનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે. પરંતુ આ વર્ષ જિલ્લામાં સતત વરસાદ અને ત્યારબાદ માવઠાને કારણે મરચાના છોડમાં રોગચાળો આવ્યો છે. જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂતોને નુકસાન થયુ છે. હાલ વઢવાણિયા અને ચુડાના મરચાંની માંગ વધી છે. રસીદભાઇ, અકબરભાઇ કોઢિયા, સોહિલભાઇ બાબુભાઇ ઠાસરિયા સહિતના વેપારીઓએ જણાવ્યું કે, આ વર્ષે વિવિધ મરચાનું ઉત્પાદન ઘટ્યુ છે. આથી ૧ કિલોએ રૂ. ૧૦૦થી ૧૫૦નો વધારો થયો છે. જ્યારે ખરીદી માટે આવતી ગૃહિણીઓ ભાવવધારાને કારણે ખરીદીમાં ઘટાડો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મરચાના વધુ વેચાણ માટે હરિફાઇ જામી છે. ત્યારે નવા નુસખા અને વ્યવસ્થા ઊભી કરાઇ છે. જેમાં સુડવેલના રસિદભાઇએ જણાવ્યું કે, અમે મરચાને ગૃહિણીઓની સામે જ દળી આપીએ છીએ તેમજ વજન ગુણવત્તાની ખાતરી આપીએ છીએ. હાલ જથ્થો ઓછો હોવાથી અમારે પણ ગુણવત્તાયુક્ત મરચા માટે રઝળપાટ કરવો પડે છે. મસાલાની ચીજવસ્તુઓમાં કિલોએ રૂ. ૪૫થી લઇને ૨૫૦નો વધારો થયો છે. રૂ. ૨૪૦થી ૨૫૦ના વધારા સાથે હિંગ ગૃહિણીઓ માટે કિંગ બની છે. હાલમાં ગરમ મસાલા ભરવાની સીઝનમાં લોકો આખા વર્ષ માટે મસાલા ભરતા હોય છે. પરંતુ હાલમાં મરી મસાલાના ભાવમાં કમરતોડ વધારો થતા ગૃહિણીઓના બજેટ પર અસર થઇ છે. જ્યારે વર્ષ દરમિયાન થયેલા માવઠા સહિતના કારણોને લીધે મરચા, હળદર, ધાણા-જીરુ સહિતના મસાલામાં રૂ. ૪૫થી લઇને રૂ. ૨૫૦નો વધારો થયો છે. જેની સામે બજારમાં પણ હાલ ૩૦થી ૪૦ ટકા જેટલી ખરીદી ઘટી ગઇ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. ખાદ્યતેલ, દૂધ, પેટ્રોલ-ડિઝલ સહિતના ભાવમાં વધારો થતા ગરીબ અને મધ્યમવર્ગ પીસાઇ રહ્યો છે. કારમી મોંઘવારીમાં મસાલાની સિઝનના સમયે મરી મસાલાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઇ ગયુ છે. આ અંગે મણીબેન વાઘેલા, લીલાબેન સોલંકી, પાર્વતીબેન પરમાર વગેરેએ જણાવ્યું કે, હાલના સમયે આખા વર્ષનો મસાલો કેમ ભરવો ? તે એક પ્રશ્ન છે. ભાવ વધવાથી ન છૂટકે વર્ષ દરમિયાન છૂટક છૂટક મસાલા લાવીને દિવસો પસાર કરવા પડશે. સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલના મહિનામાં હળદર, મરચુ, ધાણાજીરૂ, મરી મસાલા ખરીદવાની સિઝન હોય છે. જિલ્લામાં હિંગની ખરીદી બહારથી કરાય છે. આ વર્ષે હિંગનો પાક નિષ્ફળ જતા ભાવમાં રૂ. ૨૪૦થી ૨૫૦નો વધારો જાેવા મળ્યો છે. પરિણામે ગૃહિણીઓ માટે હાલ હિંગ પણ જાણે કિંગ બની હોય તેવા ઘાટ સર્જાયો છે. મરી મસાલાના ભાવમાં કમરતોડ વધારો થતા ગૃહિણીઓના બજેટ પર અસર પહોંચી છે.ઝાલાવાડમાં વઢવાણિયા અને ચૂડાના મરચા પ્રખ્યાત હોવાથી ઠેર-ઠેર મરચાના ઢગલા વેચાણ માટે જાેવા મળે છે. પરંતુ સતત માવઠા, પાકમાં રોગચાળાને લીધે ઉત્પાદન ઘટ્યું છે. આથી ૧ કિલોએ રૂ. ૧૦૦થી રૂ. ૧૫૦નો ધરમખ ભાવવધારો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગૃહિણીઓને ખરીદીમાં લાલચોળ તેજીથી આંખે પાણી આવ્યા છે. ઝાલાવાડમાં હાલ મસાલાની સિઝન પુરબહારમાં ખીલી છે. જેમાં રસ્તાઓની સાઇડમાં લાલ મરચાઓ લઇને દળવા સાથે મંડપ નાખી ઠેર-ઠેર લોકો જાેવા મળી રહ્યા છે. લોકો ૧૨ માસ માટે એક સાથે મરચાંની ખરીદી કરી ભરી લેતા હોય છે.


