મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં હંગામેદાર થવાની શક્યતા છે. રાજ્યમાં ચાલી રહેલા અઝાન વિરુદ્ધ હનુમાન ચાલીસા વિવાદમાં હવે શિવસેના પણ કૂદી છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પુણેના મારુતિ મંદિરમાં જઈને ત્યાં ચાલી રહેલા હનુમાન ચાલીસા પાઠમાં સામેલ થવાની જાહેરાત કરી છે. જેના જવાબમાં શિવસેનાએ મુંબઈમાં અનેક જગ્યાએ મહાઆરતીના આયોજનની જાહેરાત કરી છે. જેમાં દાદરના કબૂતરખાના અને અન્ય વિસ્તારોમાં મહાઆરતીની વાત કરાઈ છે. આ બાજુ એમ એન એસએ પણ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર જાેગેશ્વરીના બહેરામબાગ વિસ્તારમાં હનુમાન મંદિરમાં મહાઆરતી અને હનુમાન ચાલીસાની વાત કરી છે. રાજ ઠાકરે મક્કમ છે કે મહારાષ્ટ્ર સરકારે ૩જી મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર ન ઉતારાવ્યા તો તેમની પાર્ટી લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ કરશે. રાજ ઠાકરે તરફથી શરૂ કરાયેલું આ આંદોલન તેજ થવાથી શિવસેનાને હવે હિન્દુત્વનો મુદ્દો છીનવાઈ જવાની ભીતિ છે. આથી તે મહાઆરતીનું આયોજન કરીને પોતાના હિન્દુત્વ વોટબેંકને જાળવી રાખવાની કોશિશ કરી રહી છે. આ બધા વચ્ચે મુંબઈ પાસે મુંબ્રામાં પીએફઆઈના અબ્દુલ મતીન શીખાની વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા અંગે એફઆઈઆર નોંધાઈ છે. અબ્દુલ મતીને લાઉડસ્પીકર આંદોલન મુદ્દે રાજ ઠાકરે અને સરકારને ધમકી આપી હતી કે તેમને છેડવામાં આવશે તો તેઓ છોડશે નહીં. અઝાન અંગે થઈ રહેલા વિવાદ પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ સામેલ થઈ ગયા છે. તેમણે કહ્યું કે આવો વિષય ઉઠાવવાનો હેતુ લોકોનું ધ્યાન મૂળ મુદ્દાઓ પરથી ભટકાવવાનું છે. પરંતુ જનતા આ પાર્ટીઓની ચાલ સારી પેઠે સમજી રહી છે અને હવે તે તેમની વાતોમાં આવવાની નથી.