અમરેલી
સાવરકુંડલા શહેરના આઝાદ ચોક મદીના મસ્જિદ વિસ્તારમાં ટ્રાફિક અડચણ રૂપ બનતા દબાણ દૂર કરવાની નગરપાલિકાએ કામગીરી શરૂ કરી છે. અહીં રાહદારીઓ અને વાહન ચાલકોનું ટ્રાફિક થવાના કારણે લોકો પરેશાન હતા જેના કારણે નગરપાલિકા ટીમ જેસીબી ટ્રેક્ટર જેવા સાધનો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલેશન હાથ ધર્યું હતુ. ભંગાર વેંચતા લોકો દ્વારા અહીં દબાણ કર્યું હતું. જેના કારણે ખૂબ મુશ્કેલી સર્જાતી હતી સ્થાનિક લોકોની રજૂઆત બાદ આજે નગરપાલિકા હરકતમાં આવી હતી. અહીં ૫૦ મીટર જેટલી આખી શેરી દબાવી દીધી હતી અને મોટી માત્રામાં ભંગાર એકઠો કરી દેવાયો હતો. જેના કારણે અવર જવર પણ બંધ થતા લોકો અને રાહદારીઓને ભારે હાલાકી પડતી હતી. અગાઉ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છતાં કોઈ નિરાકરણ નહિ આવતા પોલીસ સાથે રાખી નગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું હતુ. નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ટીમ દ્વારા દબાણ હટાવતા સ્થાનિક અને શહેરી લોકો દ્વારા આ કામગીરીની પ્રશંસા કરાઈ હતી. આ ઉપરાંત આવતા ૧ અઠવાડિયામાં આ પ્રકારના રસ્તાઓ ઉપર દબાણ ધ્યાન ઉપર આવશે એટલે બુલડોઝર ફેરવવા માટેની નગરપાલિકાની તૈયારી જાેવા મળી રહી છે. આજે દબાણ દૂર થતાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો.